ગુજરાતમાં રંગોથી હોળી રમવા પર મંજૂરી નહિ, માત્ર હોળી દહનને જ પરવાનગી

ગુજરાતમાં રંગોથી હોળી રમવા પર મંજૂરી નહિ, માત્ર હોળી દહનને જ પરવાનગી
  • નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ચૂંટણીથી સંક્રમણ ફેલાયું તો આખા દેશમાં કેસ ના આવતા 
  • હાલ 4 થી 5 પ્રકારના કોરોનાના નવા સ્ટ્રેઈનના કેટલાક શહેરના દર્દીઓ જોવા મળ્યાં છે

અતુલ તિવારી/અમદાવાદ :એક તરફ કોરોના કેસોની હરણફાળ છલાંગ, અને બીજી તરફ હોળી-ધૂળેટીનો તહેવાર. લોકોમાં અસમંજસ છે કે કોરોનાના કહેર વચ્ચે હોળી-ધૂળેટી ઉજવવી કે નહિ. ત્યારે નાયબ મુખ્યમંત્રી (nitin patel) એ સ્પષ્ટતા કરી કે, હોળી અને ધુળેટી અંગે સીએમની અધ્યક્ષતામાં નિર્ણય કરાયો છે. હોળી અને ધુળેટી ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવશે. હોળી (Holi) ની ઉજવણીમાં ટોળાશાહી કરવા, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી આપવામાં નથી આવી. માત્ર ધાર્મિક રીતે હોળી દહનની જ મંજૂરી રહેશે. 

વેક્સીન લીધી છે એટલે સુરક્ષિત એવું મહેરબાની કરીને કોઈ ના માને
અમદાવાદમાં આવેલી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેંક ખાતેના સહકાર ભવનમાં ઘનશ્યામભાઈ અમીનનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) હાજરી આપી હતી. તેમણે મીડિયા સંબોધનમાં કોરોનાના વધી રહેલા કેસો અંગે કહ્યું હતું કે, 10 દિવસથી સમગ્ર દેશમાં કોરોનાના કેસ (gujarat corona update) વધી રહ્યા છે. કેસો વધતા નાગરિકોને જાગૃત કરવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે સાવચેત કરી રહ્યા છીએ. રાજ્યમાં જે કેસો વધ્યા છે, તે અગાઉની જેમ ગંભીરતા સાથે નથી આવી રહ્યાં. હાલ સામાન્ય લાક્ષણોવાળા જ કેસો આવે છે. હોમ ક્વોરેન્ટઈન થાય, ઘરે સારવાર લે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ માટે ધન્વન્તરી રથ, ટેસ્ટિંગ કેમ્પનું પ્રમાણ વધારી દેવાયું છે. સામાન્ય બીમારી દેખાય એ તમામની સારવાર કરીએ છીએ. સાથે જ વેક્સીનેશન (vaccination) પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. 36 લાખ લોકોને અત્યાર સુધી વેક્સીન આપી છે. અગાઉ વેક્સીનેશન કાર્યક્રમમાં રવિવારે રજા અપાતી હતી, પણ આજે રવિવારના દિવસે 2500 કરતા વધુ સરકાર અને અન્ય ખાનગી હોસ્પિટલમાં કામગીરી ચાલુ છે. સાથે જ તેમણે કહ્યું કે, વેક્સીન લીધી છે એટલે સુરક્ષિત એવું મહેરબાની કરીને કોઈ ના માને. બંને ડોઝ લીધાના 15 દિવસ બાદ અસર શરૂ થશે એટલે સૌ કોઈ ધ્યાન રાખે. હાલ 15 લાખથી વધુ ડોઝ આપણી પાસે ઉપલબ્ધ છે. 

ગુજરાતમાં 4 થી 5 સ્ટ્રેઈનના દર્દી જોવા મળ્યા 
કરફ્યૂ વિશે નાયબ મુખ્યમંત્રી બોલ્યા કે, જરૂર છે ત્યાં રાત્રિ કરફ્યૂ (night curfew) મૂક્યો છે, કેટલાક બજારો શનિ રવિમાં બંધ રાખ્યા છે. ખરીદી માટે લોકો માર્કેટમાં શનિ રવિમાં આવતા જતા હોય છે, તેથી મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વેપાર ધંધા કે નાના માણસની રોજગારી પર અસર ના થાય તેનું ધ્યાન રાખી રહ્યા છીએ. હાલ 4 થી 5 પ્રકારના કોરોનાના નવા સ્ટ્રેઈનના કેટલાક શહેરના દર્દીઓ જોવા મળ્યાં છે. સદનસીબે UK સ્ટ્રેઈન (UK Strain) જે ખૂબ સંક્રમણ ફેલાવે છે તેની જે ચિંતા હતી, એવી ચિંતાજનક કોઈ સ્ટ્રેઈન માલુમ પડ્યું નથી. 

મહારાષ્ટ્રમાં મેચ-ચૂંટણી ન હતી, તેમ છતા ત્યાં કેસ વધ્યા 
તો ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે નીતિન પટેલે ખુલાસો કર્યો કે, કારણ વિશે દરેક લોકો જુદા જુદા અનુમાન કરે છે. મેચ માત્ર અમદાવાદમાં હતી. જેને જોવા 50 હજાર લોકો ગયા હશે. ચૂંટણી મનપા (gujarat election) ની યોજાઈ, એ પહેલાં પેટાચૂંટણી યોજાઈ. હાલ બંગાળ, તમિલનાડુ, કેરળમાં ચૂંટણી ચાલી રહી છે. AMTS અને BRTS માં જેટલા લોકો ફરે છે એનાથી વધુ ખાનગી કાર, એસટી કે ટ્રેનમાં મુસાફરી કરે છે. આ બધા તારણ છે, પણ માસ્ક લોકો પહેરે, થોડું અંતર રાખે તો સંક્રમણથી બચી તેને અટકાવી શકાશે. ચૂંટણીથી સંક્રમણ ફેલાયું તો આખા દેશમાં કેસ ના આવતા. મેચથી કેસ વધ્યા તો રાજ્યભરમાં કેસ ના વધ્યા હોત. મહારાષ્ટ્રમાં ચૂંટણી નથી, મેચ નથી રમાઈ પણ ત્યાં કેસો મોટા પ્રમાણમાં છે. 

કોરોના મામલે સરકારી વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે, સરકારની બધી હોસ્પિટલમાં 70 ટકા કરતા વધુ પ્રમાણમાં પથારી ખાલી છે. કોઈએ ડરવાની જરૂર નથી. કોઈપણ જાતના કરફ્યૂની વિચારણા રાજ્ય સરકાર નથી કરી રહી. રાત્રિ કરફ્યૂ એટલે છે કે નાગરિકો હોટેલ રેસ્ટોરન્ટ પર એકત્ર થાય અને જોખમ વધે નહિ. નેતા હોય કે કોઈ સાધુ સંત હોય, ખેલાડી હોય કે ઉદ્યોગપતિ હોય. સૌ કોઈ માનવી છે, ગમે તેને ગમે ત્યારે રોગ થઈ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news