અમદાવાદની સિવિલ હોસ્પિટલે દાનના મામલે રેકોર્ડ તોડ્યો, મળ્યું અત્યાર સુધીનું સૌથી વધુ રૂપિયાનું દાન
Civil Hospital Ahmedabad : ખાનગી કંપની દ્વારા હોસ્પિટલને 1.28 કરોડ રૂપિયા દાનમાં અપાયા.... હોસ્પિટલ દ્વારા 1.28 કરોડ રૂપિયામાંથી બાળરોગ સર્જરીના સચોટ નિદાન માટે સાધનો વસાવવામાં આવ્યા
Ahmedabad News અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલે દાનના મામલે રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલને 1.28 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. CSR હેઠળ જે.એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન દ્વારા આ માતબર રકમનું દાન આપવામાં આવ્યું છે. ખાનગી કંપની દ્વારા આપવામાં આવેલા 1.28 કરોડ રૂપિયા અત્યાર સુધીનું સૌથી મોટું દાન કહેવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા 1.28 કરોડ રૂપિયામાંથી બાળરોગ સર્જરીના સચોટ નિદાન માટે સાધનો વસાવવામાં આવ્યા છે.
રૂપિયા 25 લાખની કિંમતનું વીડિયો ગેસ્ટ્રોરોસ્કોપી મશીન મળી રહેતા બાળકોને વીડિયો ગેસ્ટ્રોસ્કોપની સુવિધા સિવિલમાં મળતી થશે, જેના માટે અત્યાર સુધી બાળકોને બહાર મોકલવા પડતા હતા. રૂપિયા 23 લાખની કિંમતના હાઈ ફ્રિકવન્સી સી.આર્મ મશીન વિથ ડી.એસ.એ. મશીન મળતા સચોટ નિદાન અને સારવાર મળી રહેશે.
તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખુશખબર : સરકારે ખાસ સુવિધાની જાહેરાત કરી
6 લાખ રૂપિયાના બે મેડિકલ ગ્રેડ મોનીટર મળતા તેને ઓપરેટિવ કેમેરા સાથે કનેક્ટ કરાશે, પરિણામે દરેક સર્જરીનું રેકોર્ડ થઈ શકશે, જે અભ્યાસ માટે ઉપયોગી બનશે. આ સિવાય 5 લાખના બે ઓપરેશન ટેબલ અને 32 લાખના બે એનેસ્થેસિયા વર્કસ્ટેશન ઉપલબ્ધ થતા નાના બાળકોને સુરક્ષિત રીતે એનેસ્થેસિયા આપી શકાશે તેમજ બાળરોગ સર્જરી વિભાગમાં 500 ગ્રામથી લઈ 50 કિલોના વજન સુધીના દર્દીના ઓપરેશનમાં સરળતા થશે.
આ તે કેવી મનમાની : મન કી બાત કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થિનીઓને દંડ ફટકારાયો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્મજાત બાળકથી લઈ 12 વર્ષ સુધીના પ્રતિવર્ષ અંદાજે 2300 બાળકોની સર્જરી થાય છે, તેમજ 1 હજાર જેટલી રેડીયોલોજીકલ પ્રોસીઝર કરવામાં આવે છે. જે.એમ ફાઇનાન્સિયલ ફાઉન્ડેશનના ચેરમેન નિમેષ કંપાણીએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલે જે સાધનો વસાવ્યા તેની ખુશી છે. દેશની વિવિધ ખાનગી હોસ્પિટલમાં ખૂબ સુવિધાઓ ઉપલબ્ધ છે અને સરકારી હોસ્પિટલમાં સાધનો મેળવવાની પ્રક્રિયા લાંબી હોય છે, કેટલીકવાર મહિનાઓ નીકળી જતા હોય છે. CSR ના માધ્યમથી અમે જે મદદ કરી છે, એમાં માત્ર બે મહિનામાં તમામ સાધનોની ખરીદી પૂર્ણ થઈ છે. ભવિષ્યમાં વધુમાં વધુ જરૂરિયાતમંદ બાળકો આ સાધનોની મદદથી સારવાર લે, તેવી આશા છે.
ખેડૂતે તરબૂચને શેરડીનો રસ પાયો, અને પછી જે ઉગ્યું તે વિચાર પણ નહિ કરી શકો