સોશિયલ મીડિયા પર યુવતીઓને શિકાર બનાવનાર યુવક પકડાયો, પહેલા મિત્ર બનતો ને પછી મસ્તી કરતો...
- સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરીને મિત્રતા કેળવતા પહેલા ચેતી જજો
- બ્લેકમેઇલિંગથી કંટાળીને યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી
ઉદય રંજન/અમદાવાદ :સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરીને તેની સાથે મિત્રતા કેળવતા પહેલા ચેતી જજો. અમદાવાદની એક યુવતી સોશિયલ મીડિયામાં બ્લેકમેઇલિંગનો ભોગ બની છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે બ્લેકમેઇલ કરતા યુવકની ધરપકડ કરી છે.
અમદાવાદના એક યુવકે એક યુવતીને એટલી હદે બ્લેકમેઇલ કરી કે તે માનસિક આઘાતમાં સરી પડી. સોશિયલ મીડિયા પર મિત્રતા વધારવાની યુવતીને સજા મળી હતી. ઘટના કંઈક એવી છે કે, નારણપુરામાં રહેતી યુવતીએ ઈન્સ્ટાગ્રામમાં જય મેવાડા નામના યુવકના સંપર્કમાં આવી. જય મેવાડાએ યુવતીને વિશ્વાસમાં લઈને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીના અશ્લીલ વીડિયો મેળવી લીધા હતી. ત્યાર બાદ યુવકે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીઓના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને અન્ય યુવતીના અશ્લીલ વીડિયો માંગવીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું. આ બ્લેકમેઇલિંગથી કંટાળીને યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપી જય મેવાડાની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : સુરતમાં મંદીના વાદળો છવાયા, એક સમયે 24 કલાક ધમધમતી મિલો હવે અઠવાડિયે ત્રણ દિન બંધ રહે છે
આરોપી જય મેવાડા ઉંઝાનો રહેવાસી છે અને યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર એન્જિનિયરનો અભ્યાસ કરે છે. સોશિયલ મીડિયા પર યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમની પાસેથી અશ્લીલ વીડિયો મંગાવીને બ્લેકમેઇલ કરે છે. આરોપીએ 6 જેટલા ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યા છે. આ આઈડી પર તે યુવતીઓનો સંપર્ક કરીને તેની સાથે મિત્રતા કરતો હતો. યુવતીઓને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતો હતો.. સાયબર ક્રાઇમે આરોપી જય મેવાડાની ધરપકડ કરીને તેનો મોબાઈલ FSL માં મોકલીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આરોપી જય મેવાડાએ સોશિયલ મીડિયા પર કેટલી યુવતીઓના અશ્લીલ વીડિયો મેળવીને બ્લેકમેઇલ કરી રહ્યો છે તે મુદ્દે સાયબર ક્રાઇમે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.