ચાંદખેડામાં મોડી રાત્રે નવરાત્રિમાં ઇનામ વિતરણને લઇને 6 રાઉન્ડ ફાયરિંગ
ગરબા પૂર્ણ થયા બાદ આયોજકો ઈનામનુ વિતરણ કરી રહયા હતા ત્યારે સ્થાનિક રહીશ સહદેવ તૌમરે પોતાના દિકરા માટે બે ગિફ્ટ માંગી હતી. પરંતુ આયોજકે ગિફ્ટ આપવાનો ઈન્કાર કરતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી.
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના ચાંદખેડામાં નવરાત્રીના છેલ્લા દિવસે લાણીના ઈનામ વિતરણને લઈને છ રાઉન્ડ ફાયરીંગ થતા ચકચાર મચી હતી. મેઘાણીનગરના હિસ્ટ્રીશીટરે દિકરા માટે એક ભેટસોગાતથી સંતોષ નહિ થતા ફાયરીંગ કર્યુ હતું. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદના ચાંદખેડામાં આવેલા હોમ ટાઉન4માં નવરાત્રીના છેલ્લા દિવસે સોસાયટીમાં બાળકોમાં લાણીના સ્વરૂપમાં ભેટ સોગાત અને ઈનામના વિતરણનું આયોજન કર્યું હતું. ગરબા પૂર્ણ થયા બાદ આયોજકો ઈનામનુ વિતરણ કરી રહયા હતા ત્યારે સ્થાનિક રહીશ સહદેવ તૌમરે પોતાના દિકરા માટે બે ગિફ્ટ માંગી હતી. પરંતુ આયોજકે ગિફ્ટ આપવાનો ઈન્કાર કરતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારની અદાવત રાખીને સહદેવએ પોતાના મિત્રને બોલાવીને સોસાયટીમાં અંધાધૂધ ફાયરીંગ કરવાનુ શરૂ કરી દીધું હતું. જેના કારણે સોસાયટીમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી.
ચાંદખેડામાં ફાયરીંગ કરનાર શખ્સ સહદેવ તૌમર કુખ્યાત ગુનેગાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તે મેઘાણીનગરનો હિસ્ટ્રીશીટર ગુનેગાર છે તેની વિરૂધ્ધ અસંખ્ય ગુના નોંધાયા હોઇ અને અનેક વખત જેલવાસ ભોગવી ચુક્યો છે. આરોપી મેઘાણીનગરથી ઘર ખાલી કરીને ચાંદખેડાના હોમ ટાઉન4માં મકાન ભાડે રાખીને રહેવા આવ્યો હતો. તેને દેશી બનાવટની રિવોલ્વરથી ફાયરીંગ કરીને દહેશત ફેલાઈ હતી. દિકરાને બે ઈનામ નહિ મળતા તેને ફાયરીંગ કરીને આંતક મચાવી દેતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયુ હતું.
સદનસીબે ફાયરીંગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પંરતુ સહદેવ અને તેના મિત્રે દહેશત ફેલાવા આ ગુનેગારે ફાયરીંગ કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. સહદેવ સાથે તેનો મિત્ર કોણ હતો ? તેની પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે હાલમા ચાંદખેડા પોલીસે સહદેવ તૌમર અને તેના મિત્ર વિરૂધ્ધ ફાયરીંગ અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધાતા આરોપી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.