ઝી બ્યૂરો, અમદાવાદઃ તહેવારો આવે ત્યારે અમદાવાદ મનપાનું તંત્ર એકદમ એક્શન મોડમાં આવી જાય છે. એમાંય ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ અંતર્ગત આવતી ફૂડ વિભાગની ટીમો વિવિધ વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરાં અને જાણીતી મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડીને ચેકિંગ હાથ ધરતા હોય છે. મહત્ત્વનું છેકે, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હોટલ, રેસ્ટોરાં, ખાણી પીણીની ચીજવસ્તુઓ, મુખવાસ વગેરેમાં ભેળસેળ થતી હોય છે, જેના પગલે અમદાવાદ શહેરમાં ખાવાપીવાની ચીજવસ્તુઓ શુદ્ધ અને સાત્વિક મળી રહે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે અલગ અલગ દુકાનો, હોટલો અને રેસ્ટોરાં વગેરે જગ્યાએ ચેકિંગ શરૂ કર્યું છે. જેમાં મોતી મહેલ હોટલ, મારુતિનંદન કાઠિયાવાડી હોટલ અને ડોમિનોઝ પીઝા સહિતની 80 જગ્યાએથી વિવિધ નમૂના લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીઝા, ચિકન મસાલા, વડાપાઉની ચટ્ટણી, ઘી સહિતના નમૂના લેવાયા:
એસજી હાઇવે વાઇડ એંગલ પાસે આવેલા ડોમિનોઝ પીઝામાંથી અને મણિનગર વુડી ઝોનસ પીઝામાંથી માર્ગેટરા પીઝા, વિસત ગાંધીનગર હાઇવે પર આવેલા મારુતિનંદન રેસ્ટોરાંમાંથી વેજ કડાઈ સબ્જી, કાલુપુર મોતી મહેલ હોટલમાંથી ચિકન મસાલા, પ્રહલાદનગર જયભવાની વડાપાઉંમાંથી ચટ્ટણી, થલતેજ ઘનશ્યામ ડેરીમાંથી ઘી વગેરે જગ્યાએથી ખાવાનું શુદ્ધ છે કે નહીં વગેરે માટે નમૂના લેવામાં આવ્યા છે.


બ્રેડ સહિતના નમૂના પણ લેવાયા હતા:
ફૂડ વિભાગે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોટલ અને રેસ્ટોરાંમાંથી શાકની ગ્રેવી, દૂધ અને દૂધની બનાવટો, ફરસાણ, બેકરી, નમકીન, તેલ સહિત 80 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના લઈને ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં આવેલા નમૂનામાંથી રતલામી સેવ, ફરાળી લોટ, ફ્રૂટ ક્રશ વગેરે સહિત પાંચ નમૂના અપ્રમાણિત આવ્યા છે.


નમૂના ફેલ જશે તો કાયદેસરની કાર્યવાહી થશે:
મીઠાઈ, દૂધ અને દૂધની બનાવટના 16, ફરસાણ નમકીન 6, બેકરી પ્રોડક્ટ્સના 4, મસાલા 6, ખાદ્યતેલના બેસન 8, શાકની ગ્રેવી અને શાક મળી અન્ય 12 નમૂના મળી કુલ 80 નમૂના લેવામાં આવ્યા છે. આ ચીજવસ્તુઓના નમૂના પ્રમાણિત છે કે કેમ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ચેકિંગ કે લેબોરેટરીમાં આ નમૂનામા ભેળસેળ કે હલકી ગુણવત્તાવાળો માલ જણાશે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube