ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હીના બાબા કા ધાબાના દંપતીની જેમ ગુજરાતનો એક કિશોર રાતોરાત પોપ્યુલર થઈ ગયો છે. પરિવારની મદદ કરવા એક કિશોર અમદાવાદ રેલવે સ્ટેશન બહાર દહી કચોરી વેચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેને મદદ કરવાની એવી અપીલ ઉઠી કે તેના નાનકડી રેંકડી પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો (viral video) થી ગરીબ પરિવારનું જીવન બદલાઈ ગયુ છે. ક્યારેય ન જોઈ હોય તેવી ભીડ તેમણે પોતાની રેંકડી પર આજે જોઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન (Maninagar Railway Station) પાસે કચોરી વેચતા કિશોરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (trending video) થઈ રહ્યો છે. આ છોકરાએ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે. લોકો આ છોકરાની મદદ કરવા અપીલ કરી રહ્યાં છે. તો વાયરલ વીડિયો બાદ કચોરી અને સમોસા ખાવા માટે તેની રેંકડી પર ગઈકાલથી ભીડ ઉમટી પડી છે. 



ગઈકાલે તન્મય અગ્રવાલ નામના કિશોરનો વીડિયો (food video) વાયરલ થયો, જે ધોરણ 8 માં ભણે છે અને સાથે તેના પરિવારને સમોસા અને દહી કચોરી વેચવામાં મદદ કરે છે. તન્મય અગ્રવાલનો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. તેનો આખો પરિવાર દિવસે કચોરી અને સમોસા બનાવે છે, અને પછી સાંજે મણિનગર રેલવે સ્ટેશનની બહાર એક્ટિવા પર સમોસા-કચોરી વેચવા બેસે છે. એકાએક ઉમટી પડેલા ગ્રાહકોથી તેના પરિવારની ખુશીનો પાર નથી રહ્યો. એક જ દિવસમાં એટલી કમાણી થઈ કે, તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. 



તન્મય અગ્રવાલ મોટો થઈને ઓટોમોબાઈલના ક્ષેત્રમાં જવા માંગે છે. પણ નાનકડો એવો તન્મય હાલ સ્કૂલ પછીનો પોતાનો બધો સમય સમોસા-કચોરી વેચવામાં કાઢે છે. નાની ઉંમર છતા તે પરિવારનો પૂરતો સમય આપે છે. આ વિશે તે કહે છે કે, વીડિયો વાયરલ થયા બાદ બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. સ્કૂલથી પરત આવીને હું મમ્મી સાથે અહી આવી જઉ છું.



તો તન્મયના માતા શ્વેતાબેન કહે છે કે, આવો રિસ્પોન્સ મળશે તેવું અમે સપનામાં ય વિચાર્યુ ન હતું. હું એક ઘડી હિંમત હારી જઉં, પણ મારો દીકરો હિંમત ન હાર્યો. અમે ચાલતા નીકળતા, આખુ માર્કેટ ફરી વળતા.