એક વિવાહ ઐસા ભી! અમદાવાદમાં બે લગ્નમાં થઈ જોવા જેવી! વરરાજા સહિત જાનૈયા માંડવાની જગ્યાએ સીધા જેલ પહોંચ્યા!
એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન સીધી જ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. લગ્ન પ્રસંગમાં જુગારધામ ધમધમી રહ્યો હતો અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે 89 જુગારીઓની ધરપકડ કરીને જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં બે મિત્રોના લગ્નમાં જાનૈયા સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. એલિસબ્રિજમાં વરરાજા અને જાનૈયાઓની જાન સીધી જ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. લગ્ન પ્રસંગમાં જુગારધામ ધમધમી રહ્યો હતો અને પોલીસે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે 89 જુગારીઓની ધરપકડ કરીને જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફોટામાં મોઢું છુપાવી રહેલા યુવાનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પરંતુ વરરાજા સાથે જાન જોડીને લગ્ન કરવા પહોંચે તે પહેલાં વરરાજા અને જાનૈયા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી ગયા કારણ કે તેઓ લગ્ન પ્રસંગ માં જુગાર રમી રહ્યા હતા. મીઠાખળી વિસ્તારમાં રહેતા કાપડના વેપારી વર્ષીલ દેસાઈના લગ્ન પ્રસંગ હોવાથી એલિસબ્રિજમાં લક્ષ્મી નિવાસમાં બે ફ્લેટ મિત્રના રાખ્યા હતા.
આ ફ્લેટમાં મિત્રો અને વરરાજા જુગાર રમી રહ્યા હતા. જેની બાતમી એલિસબ્રિજ પોલીસને મળતા તેમને રેડ કરી હતી અને ફ્લેટના 402 અને 602 નંબરના ફ્લેટમાં જુગાર રમતા 89 લોકોને ઝડપી લીધા. તેમની પાસેથી 53 વાહન, 98 મોબાઈલ, 3.74 લાખની રોકડ સહિત 1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મીઠાખણીમાં રહેતા બે મિત્રો વર્ષીલ દેસાઈ અને કશીશ શાહના લગ્ન પ્રસંગ હોવાથી તેમને પોતાના મિત્રોને જુગાર નાઈટ માટે આમંત્રણ આપ્યું. બંને મિત્રો ના લગ્ન આગળ પાછળ હતા પણ કોમન મિત્ર હતા. એકના મિત્રો જુગાર રમવા ઉપરના માળે તો એકના મિત્રો જુગાર રમવા નીચેના માળે બેઠા હતા. આ દરમિયાન પોલીસને માહિતી મળી કે અહીંયા મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈને જુગાર રમી રહ્યા છે અને પોલીસે એન્ટ્રી પાડી હતી તો એક બે નહીં પણ 89 લોકો જુગાર રમતા ઝડપાયા જેમાં એક વરરાજા વર્ષીલ દેસાઈનો પણ સમાવેશ થાય છે જેની આજે સગાઈ છે. પોલીસે તેને હાલ સગાઈ માટે જવા દીધો છે અને સગાઈ પૂરી કર્યા બાદ તેનો નિવેદન લેવામાં આવશે. જ્યારે બીજા વરરાજા જુગાર રમતા નહિ હોવાથી તે ઝડપાયા નથી. પરંતુ મિત્ર ઝડપાયા તો તેઓ પણ પોલીસ સ્ટેશનના મહેમાન બન્યા છે.
એલિસબ્રિજ પોલીસે હાલમાં જુગારધારાની કલમ ચાર અને પાંચ હેઠળ ગુનો નોંધી ને કાર્યવાહી હાથ ધરી છે. આ વરરાજા અને જાનૈયાઓને છોડાવવા મોટી લાઈનો જોવા મળી. હાલ તો પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.