સપના શર્મા/અમદાવાદ: કાંકરિયામાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી હતી. કાંકરિયાના હોરર હાઉસમાં આગ ફાટી નીકળી હતી. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ કાંકરિયાના હોરર હાઉસમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે હાઉસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની 5 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર  કાબુ મેળવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે કાંકરિયાના હોરર હાઉસમાં શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગવાના કારણે હાઉસની અંદરની ડિસ્પ્લે, લાકડા, કપડાં જેવી વસ્તુઓને મોટું નુકશાન થયું હતું. આગનું કરણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હોરર હાઉસમાં બનેલી આ દુર્ઘટનામાં તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.


જો કે મોડી રાત્રે આગ લાગી હોવાના કારણે મોટી જાનહાની ટળી છે. રાત્રે હોરર હાઉસમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ આગ લાગવાના કારણે હાઉસનો સામાન બળીને રાખ થઈ ગયો છે.


અત્રે નોંધનીય છે કે વર્ષ 2019માં પણ કાંકરિયાના બાલવાટિકામાં રાઇડ તૂટી પડતા એક મોટી દુર્ઘટના થઈ હતી. 30 ફૂટ ઊંચેથી રાઇડ નીચે પટકાઈ હતી. જેમાં 2 લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 29 લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.


તમને જણાવી દઈએ કે અમદાવાદીઓમાં સૌથી લોકપ્રિય જગ્યા હોય તો તે કાંકરિયા તળાવ છે. જે મણીનગર વિસ્તારમાં આવેલું છે. જેમાં વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, કિડ્ઝ સિટી, અટલ એક્સપ્રેસ ટ્રેન, હોરર હાઉસ, બલૂન રાઇડ જેવી લોકોને આકર્ષતી અનેક મનોરંજનની વસ્તુઓ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube