અમદાવાદના આ તળાવો છે `શાન`! પણ મેઈન્ટેનન્સના અભાવે સાક્ષાત થઈ રહ્યો છે નર્કનો અહેસાસ
મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકોએ પાછલા પાંચ વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે ગાર્ડન અને તળાવો બનાવી વિકાસની ગુલબાંગો પોકારી છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: વિકાસના દાવા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડોના ખર્ચે ગાર્ડનની સાથે તળાવો બનાવાયા છે. પરંતુ શહેરમાં મોટા ભાગના તળાવો ઉનાળાની શરૂઆત પહેલા જ ખાલીખમ છે. અને જેમાં પાણી છે એ ચોખ્ખુ નહી પરંતુ ડ્રેનેજનું અત્યંત દુર્ગંધ મારતુ પાણી છે. ઔડા અને એએમસી દ્વારા સ્ટોર્મ વોટર લાઇનની મદદથી વરસાદી પાણીથી તળાવો ભરવાની યોજના શરૂ કરાઇ હતી. પરંતુ મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરાકારીને કારણે આજે તમામ તળાવો શોભાના ગાંઠીયા બન્યા છે. પરીણામે પ્રજાના કરવેરાના નાણમાંથી ખર્ચેલા કોરોડો રૂપિયા પ્રજાના કામે જ નથી આવી રહ્યા.
મેગાસીટી અમદાવાદમાં એએમસી દ્વારા વિકાસના દાવા વચ્ચે તૈયાર કરવામાં આવેલા તળાવના, કે જે ઉનાળાની શરૂઆતમાં જ સુકાભઠ્ઠ બની ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકોએ પાછલા પાંચ વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે ગાર્ડન અને તળાવો બનાવી વિકાસની ગુલબાંગો પોકારી છે. પરંતુ તળાવો બનાવી દીધા બાદ તેના રખરખાવ માટે તેઓ કેટલા સજાગ છે તે આ તળાવોની સ્થીતી પરથી જ સ્પષ્ટ થઇ જાય છે.
સ્થળઃ પ્રહલાદનગર
શહેરના અત્યંત પોશ કરેવાતા એવા પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા આ તળવના દ્રશ્યો જુઓ. કારણકે આ સ્થળને જોતા તળાવ શબ્દ ઉપયોગ કરવો યોગ્ય નહીં કહેવાય. જ્યાં જુઓ ત્યાં તૂટેલી પાળીઓ અને પાણીની જગ્યાએ ઉગી નિકળેલા ઝાડી ઝાખરા..કોઇપણ બાજુએથી તળાવ ન કહી શકાય એવી આ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે મૃતપ્રાય હાલતમાં પડેલી છે.
સ્થળ: સરખેજ રોજ તળાવ
વિસ્તાર કોઈપણ હોય પરંતુ દ્રશ્યો સરખાજ જોવાય છે. ચોમાસા દરમ્યાન છલોછલ ભરેલું ઐતિહાસિક સરખેજ રોજ તળાવ પણ આવી જ રીતેખાલીખમ નજરે પડી રહ્યુ છે
સ્થળઃ વેજલુપર મલાવ તળાવ
ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની ગ્રાન્ટ માંથી તૈયાર થયેલુ આ છે વેજલપુરનુ મલાવ તળાવ. અહીંયા પણ શહેરના અન્ય તળાવોની જેમ જ એએમસીની બેદરકારી ઉડીને આંખે વગળકે છે. જ્યા નજર કરો ત્યા તળાવ અને તેના કિનારે ઉગી નિકળેલા ઝાડીઝાંખરા તંત્રની નિષ્કાળજી છતી કરે છે. અન્ય તળાવો કરતા અહીંયા થોડું ઘણું પની નજરે પડી જાય છે.ઉડીને આંખે વળગે એવા જુઓ આ દ્રશ્યો..
સ્થળઃ વસ્ત્રાપુર ગાર્ડન
આ દ્રશ્યો છે શહેરના સૌથી પોશ ગણાતા એવા વસ્ત્રાપુર ગાર્ડનના... ઔડા દ્વારા 2008માં 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ તળાવ બનાવવાનો મુખ્ય હેતુ વરસાદી પાણીની લાઇનોથી તેને ભરી રાખવાનો હતો. પરંતુ ઔડા અને એએમસીના ભાજપી શાષકોની ઘોર બેદરકારીના કારણે આટલા ચોમાસા વિત્યા છતા પણ આ તળાવ ભરાઇ શક્યુ નથી. આજે આ તળાવને જોતા ક્રીકેટ રમવાનું કોઇ વિશાળ મેદાન હોય તેમ લાગી રહ્યુ છે. આટલુ ઓછુ હોય તેમ તળાવમાં જે બોટ વસાવાઇ હતી તે પણ આજે મરણ પથારીએ છે, જુઓ એએમસી તંત્રની બેદરકારીનો વાસ્તવીક નમુનો.
સ્થળઃ મેમનગર
મ્યુનિસિપલ તંત્રએ દરેક તળાવની દુર્દશા કરવામાં કોઇજ કચાસ છોડી નથી તેમ કહીએ તો પણ ચાલે.. જુઓ મેમનગર તળાવના આ દ્રશ્યો.... કારણ કે આ દ્રશ્યો ને જોયા બાદ આ સ્થળને તળાવ કહેવુ કે કેમ એ પણ એક પ્રશ્ન છે... પ્રથમ નજર કરતા જ ગટરના દૂષિત પાણીથી ભરાયેલા મોટા ખાડામાં ભેંસોનું ટોળુ મસ્તી કરતુ નજરે પડે છે. તો સામેની તરફ આવેલી ઝુપડપટ્ટી માંથી ફેંકવામાં આવેલો કચરો ચારેતરફ જોઇ શકાય છે..
સ્થળઃ ચાંલોડીયા તળાવ..
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના વિધાનસભા વિસ્તારમા આવેલુ છે આ ચાંદલોડીયા તળાવ. પરંતુ જુઓ આ તળાવની હાલત. તળાવની વચ્ચે વરસાદી પાણી માટેની લાઇનમાંથી આવી રહેલુ આ દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી જ દર્શાવે છેકે એએમસી દ્વારા આ તળાવના રખરખાવ માટે કેવા પ્રયત્નો કરાયા છે. આ તળાવ તરફ જ્યા નજર કરો ત્યાં એએમસીની બેદરકારી છતી થાય છે. તળાવની પાળીઓ ઠેર ઠેર તૂટેલી છે, તો તળાવમાં ઉતરવાના પગથીયાનુ તો નામોનિશાન જ નથી
સ્થળઃ નવા રાણિપ
ચાંદલોડીયાના તળાવ બાદ ઝી ચોવીસ કલાકે મુલાકાત લીધી નવા રાણિપ વિસ્તારમાં આવેલા તળાવની. જ્યાંના દ્રશ્યો જોતા ચાંલોડીયા, વસ્ત્રાપુર, વેજલપુર તથા અહીંના તળાવ વચ્ચે ફર્ક જોવા મળ્યો ફક્ત દૂષિત પાણીનો. ચાંદલોડીયા, વસ્ત્રાપુર અને વેજલપુર તળાવમાં પાણી ન હતુ. જ્યારે નવા રાણિપના આ તળાવમાં પાણી તો હતુ, પરંતુ ડ્રેનેજ લાઇનમાંથી આવીને એકઠુ થયેલુ અત્યંત દુર્ગંધયુક્ત અને લીલ જામી ગયેલુ પાણી... અહીંયા પણ સ્ટોર્મ વોટર લાઇનમાંથી નીકળતુ ગટરનું પાણી ધીમી ધીમે તળાવમાં આવતુ જોઇ શકાય છે.
આ તો પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગણતરીના જુદા-જુદા તળાવો હતા કે જેની વર્તમાન સ્થિતી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકોના કહેવાતા પારદર્શક અને વિકાસલક્ષી વહીવટની ચાડી ખાય છે. ત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારના તળાવોની પણ આજ પરિસ્થિતિ છે. સમગ્ર મામલે amc વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે ભાજપી સાશકો અને amc તંત્રને આડે હાથે લીધા છે. વિકાસના નામે શાષકો દ્વારા પ્રજાના કરવેરાના પૈસે મોટા ખર્ચા કરીને તળાવો બનાવી તો દેવાય છે. પરંતુ તેની ખરેખર કેટલી દેખરેખ રખાય છે તે આ તમામ દ્રશ્યો પરથી સાબિત થઇ ગયુ છે.