દાણીલીમડા ફાયરિંગ કેસમાં નવો વળાંક: હથિયારો ક્યાંથી આવ્યા? પોલીસે શરૂ કરી તપાસ
અમદાવાદના દાણીલિમડા વિસ્તારમાં તાજેતરમાં જ થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનાની તપાસમાં નવો વળાંક આવ્યો છે. દાણીલિમડાના શોહેબઆઝમ ઉર્ફે છોટુ રંગરેજ પર ઈજાગ્રસ્તે જાતે જ ફાયરિંગ કર્યુ હોવાની કહિકત સામે આવી છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના દાણીલિમડા વિસ્તારમાં તાજેતરમાં જ થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનાની તપાસમાં નવો વળાંક આવ્યો છે. દાણીલિમડાના શોહેબઆઝમ ઉર્ફે છોટુ રંગરેજ પર ઈજાગ્રસ્તે જાતે જ ફાયરિંગ કર્યુ હોવાની કહિકત સામે આવી છે.
ઉપરાંત ભોગ બનનાર અને તેના ફરિયાદી ભાઈની પુછપરછ કરતા 4 હથિયાર અને 26 જીવતા કારતુસ કબ્જે કર્યા છે. ત્યારે હવે પોલીસ હત્યાના પ્રયાસની તપાસ બાજુ પર મુકી હથિયાર કયાંથી અને કેવી રીતે આવ્યા તેની તપાસમાં જોતરાઈ છે.
દાણીલિમડા પોલીસની કસ્ટડીમા રહેલા આ આરોપીના નામ મોહમદ સલિમ અબ્દુલ ખાલીદ રંગરેજ (સફેદ શર્ટ), અલી હશન કૈયુમભાઈ અંસારી (વાદળી શર્ટ) અને જમાલુદ્દિન સમસુદ્દિન શેખ (બ્લેક શર્ટ) છે. આ ત્રણ આરોપી પાસેથી પોલીસે 4 હથિયાર અને 26 જીવતા કારતુસ કબ્જે કર્યા છે.
મહત્વનુ છે કે મોહમદ સલિમ રંગરેજે એક દિવસ પહેલા તેના ભાઈ શોહેબઆઝમ ઉર્ફે છોટુ રંગરેજ પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશીશનો ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસમાં સામે આવ્યુ કે આરોપીએ જાતેજ ફાયરિંગ કર્યુ હતું અને બાદમાં ખોટી ફરિયાદ ઉપજાવી કાઢી હતી. જોકે તેની તપાસ દરમિયાન પોલીસને કુલ 4 હથિયાર મળી આવ્યા અને તે અંગે અલગ અલગ 2 ફરિયાદ નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે.
શોહેબઆઝમ ઉર્ફેછોટુ રંગરેજ અંગે મોહસીન ઉર્ફે પતલી બરકતઅલી રંગરેજ અને નાસીર ઉર્ફે ટાલીયો નજર મોહમદ રંગરેજ વિરુધ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ તપાસમાં હકિકત કઈંક અલગ હોવાના પુરાવા મળી રહ્યા હતા. માટે સાક્ષીઓની ઉલટ તપાસ કરતા ફરિયાદ ખોટી હોવાનુ સામે આવ્યું છે. પરંતુ ખોટી ફરિયાદ કેમ કરવી પડી તે અંગે પુછપરછ કરતા હકિકત મળી કે, ઈજાગ્રસ્ત શોહેબઆઝમ ઉર્ફે છોટુ રંગરેજના ભાઈએ બરકત અલીની હત્યા કરી હતી. જેથી બે ભાઈ જેલમાં છે માટે ખોટી ફરિયાદના દમ પર હત્યાની ફરિયાદમાં સમાધાન કરવા માટે આ નાટક રચ્યુ હતું.
એક તરફ શહેરમાં રથયાત્રાની તૈયારી બીજી તરફ સુરક્ષા એજન્સી દ્વારા આપવામાં આવેલા હુમલાના એલર્ટ વચ્ચે માત્ર એક દિવસની તપાસમાં 4 હથિયાર મળી આવતા પોલીસ સતર્ક બની છે. અને હથિયાર ક્યાથી, કેવી રીતે, અને કેમ રાખવામા આવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે. સાથે સાથે આતંકી પ્રવૃતિ કે અન્ય કોઈ ગુનાહિત કાવતરાને અંજામ આપવા આ હથિયાર લાવ્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube