સિવિલ હોસ્પિટલમાં દાનની સરવાણી વહી, 1000 સેવાકર્મીઓ માટે રાશન કીટનું વિતરણ કરાયું
- અમદાવાદની સેવાભાવી સંસ્થાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં કરાઇ દાનની સરવાણી
- ‘જસ્ટ 100’ સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના 1000 સેવા કર્મીઓ માટે રાશન કીટ વિતરણ કરાઈ
- સલામતી સિક્યુરિટી સંસ્થા દ્વારા હોસ્પિટલ સ્ટાફ માટે ઇકો ગાડીનું દાન કરાયું
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ સુપેરે કામગીરી કરી રહી છે. આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના કોરોના સેવાયજ્ઞમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ જોડાઇને સિવિલ હોસ્પિટલના સ્ટાફથી લઇ સારવાર અર્થે આવતા દર્દીઓના પરિવારજનોને મદદરૂપ બની છે. ત્યારે અમદાવાદની ‘જસ્ટ 100’ સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના 1000 સેવા કર્મીઓ માટે રાશન કીટનું વિતરણ કરાયુ છે.
કોરોના મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સ્વાસ્થ્યની દરકાર કરીને હોસ્પિટલના તમામ હેલ્થકેર વર્કસ દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફની સાથે-સાથે સફાઇકર્મીઓ પણ આ કપરી પરિસ્થિતિમાં દાયિત્વ અદા કરી રહ્યાં છે.
આ સેવાકર્મી સમા સફાઇકર્મીઓના દાયિત્વને બિરદાવવા આજે અમદાવાદની સેવાભાવી સંસ્થા “જસ્ટ 100” દ્વારા સિવિલ હોસ્પિટલના સેવાકર્મીઓના પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ આરોગ્યકર્મીઓના પરિવારજનોને રાશનકીટ ઉપયોગી નીવડે તે હેતુસર આ સેવાભાવી સંસ્થા દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. આ કીટમા 5 કિલો ઘઉં, 2 કિલો ચોખા, 2 કિલો ખાંડ, એક લીટર તેલ, મગ દાળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે હોસ્પિટલ સેવાભાવી સફાઈકર્મી પરિવારજનોને જીવન જરૂરિયાતની આવશ્યકતા પૂરી પાડશે.
સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી સિક્યુરીટી સેવા આપી રહેલી સલામતી સિકયુરીટી સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલ સ્ટાફ મિત્રોને હોસ્પિટલમાં અવર જવરમાં અનુકુળતા અને સરળતા રહે તે માટે એક ઇકો વાનનું દાન કરવામાં આવ્યુ હતુ.