ઉદય રંજન/અમદાવાદ: તહેવારો ટાણે લૂંટની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. સરકારના સબસલામતના દાવા હવે પોકાળ સાબિત થઈ રહ્યા છે, ત્યારે દરેક ગૃહિણીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં નળનું રીપેરીંગ કરવાનું કહીને બે શખ્સોએ નિષ્ફળ લૂંટનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓ ક્ષણભરમાં ઝડપાય ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડિમ્પલ શાહ નામની ગૃહિણીએ એક ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ મુજબ બુધવારના બપોરે પોતાના ઘરે એટલે કે શાહીબાગ વિસ્તારમાં આવેલું મકાન નંબર 2 સોમનાથ સોસાયટીમાં પોતાના ઘરે હતા, ત્યારે અચાનક ડોર બેલ વાગ્યો હતો અને દરવાજો ખોલતા બે શખ્સો બહાર ઉભા હતા. તેમણે જણાવ્યું કે તમારા પતિ વિનોદભાઈ શાહે રસોડાનો નળ બગડેલો હોવાથી અમને રીપેરીંગ કરવા માટે મોકલ્યા છે.


આમ ફરિયાદી ડિમ્પલ બહેન શાહે ધર્મેન્દ્ર સોલંકી અને જયદીપને ઘરમાં પ્રવેશ આપી રસોડા તરફ લઇ ગયા હતા. તે સમયે ધર્મેન્દ્ર સોલંકીએ બેગમાંથી એક સ્પ્રે કાઢીને ડિમ્પલ બહેનના મોઢા પર છાંટી દેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જ ફરિયાદી મહિલાએ બંને યુવકો સાથે હિંમતભેર સામનો કર્યો હતો અને મહિલાએ સોસાયટીમાં બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. જોકે ક્ષણભરમાં બન્ને લૂંટારુંઓ રંગેહાથે ઝડપી પાડ્યા હતા અને શાહીબાગ પોલીસને જાણ કરી હતી. 


શાહીબાગ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક પુછપરછ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે એક વર્ષ પહેલા આજ મકાનમાં આરોપી ધર્મેન્દ્ર સોલંકી ઈલેક્ટ્રીક કામ કરવા માટે આવ્યો હતો. જેના કારણે તેમણે અહીંયા લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. હાલ પોલીસે બન્ને આરોપીઓ અગાઉ કોઈ ગુના કર્યા છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube