ક્યારેય જોયા છે આવા હેલ્મેટ ગરબા, અમદાવાદીઓએ આપ્યો ટ્રાફિક અવેરનેસનો સંદેશો
નવરાત્રિના પર્વની ઉજવણી સમાજ અને સોસાયટીને કંઇક સંદેશો આપવાના હેતુથી અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલી સત્યા સ્ક્વેર સોસાયટી ટ્રાફિક સુરક્ષાનો સંદેશ આપતા અનોખા પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કર્નલ કુમારદુષ્યંત, અમદાવાદ: અમદાવાદ શહેરમાં અલગ-અલગ જગ્યા ઉપર નાની-મોટી ગરબી મંડળના સંચાલકો દ્વારા નવરાત્રિના તહેવારોમાં પ્રાચીન, અર્વાચીન અને પરંપરાગત ગરબાઓના માધ્યમથી માતાજીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. નવરાત્રિના પર્વની ઉજવણી સમાજ અને સોસાયટીને કંઇક સંદેશો આપવાના હેતુથી અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલી સત્યા સ્ક્વેર સોસાયટી ટ્રાફિક સુરક્ષાનો સંદેશ આપતા અનોખા પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં વધતા અકસ્માતોના લીધે કેટલાય પરિવારો પોતાના સ્નેહીજનોને ગુમાવી બેસે છે. જેમાં ખાસકરીને દ્રીચક્રી વાહન ચાલકો ડ્રાઇવિંગ દરમિયાન હેલ્મેટ પહેરાનું ટાળે છે. જેના લીધે અકસ્માત દરમિયાન જીવ ગુમાવવાનો વારો આવે છે. દેશભરમાં કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારના પરિવહન મંત્રાલય દ્વારા વિવિધ માધ્યમો અને જાહેરાતો દ્વારા વાહન ચાલકોને ડ્રાઇવિંગ દરમિયાન હેલ્મેટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
હેલ્મેટ વગર વાહન હંકારવાના પરિણામો કેટલા ગંભીર આવે છે?, વાહન ચલાવતાં ચલાવતાં મોબાઇલ પર વાત કરવી કેટલી જોખમી બની શકે, વન-વેમાં બેફિકરાઇથી ઘુસી જવું કેટલુ તકલીફકારક બની શકે તે લોકો સમજી શકે અને નિયમોનો ભંગ કરતાં અટકે તે માટે સાસાયટીના રહીશો દ્વારા આ અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે હાલમાં નવરાત્રિ પાવન પર્વ દરમિયાન અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સત્યા સ્ક્વેર સોસાયટીના રહીશો દ્વારા સમાજ અને સોસાયટીમાં હેલ્મેટ પહેરવાને લઇને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી હેલ્મેટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના છઠ્ઠા નોરતે સોસાયટીની મહિલા, પુરૂષો અને બાળકો હેલ્મેટ પહેરીને ગરબાના તાલે ઝૂમ્યા હતા અને ટ્રાફિક અવરનેસનો સંદેશો પુરો પાડ્યો હતો.
આ અનોખા ગરબા વિશે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે આજે દેશભરમાં વધતા અકસ્માતોમાં મોટાભાગે હેલ્મેટ ન પહેરવાના લીધે ચાલકે જીવ ગુમાવવાનો વારો આવે છે. હેલ્મેટ ન પહેરીને એક તો ટ્રાફિક નિયમન ઉલ્લંઘન થાય છે અને બીજું કે ક્યારેક પરિવારે પોતાના વ્હાલસોયા સ્નેહીજનને ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આજે અમે લોકોએ હેલ્મેટ પહેરીને ગરબા ગાવાનું આયોજન કર્યું હતું કે એક નાનકડો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઇએ તથા આજથી આપણે આપણા માટે નહી પરંતુ આપણા પરિવાર માટે ફરજિયાતપણે હેલ્મેટ પહેરીશું એવી નેમ લીધી હતી.
જો આપણે આપણા મોબાઇલની સુરક્ષા માટે સ્ક્રીનગાર્ડ લગાવતા હોઇએ છીએ તો આપણે આપણી સુરક્ષા માટે હેલ્મેટ તો પહેરી જ શકીએ. આપણો જીવ મોબાઇલ કરતાં અનેક ગણો કિંમતી છે. તો આજથી આપણી ફરજનો એક ભાગ સમજીને હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખીશું.