અમદાવાદ : શહેરમાં દેશી દારૂના ધંધો ધમધોકાર ખીલી ઉઠ્યો હોય તેમ લાગી રહ્યું છે. દારૂનો વેપલો ધમધોકાર ચલાવવામાં પુરૂષોની સમોવડી હવે મહિલાઓ પણ સક્રિય બની છે. હવે મહિલાઓ પણ દેશી દારૂના ધંધામાં મોટાપાયે ભાગીદારી કરી રહી છે. સરખેજ પોલીસે અલગ અલગ સ્થળે દરોડા પાડીને 10 મહિલા બુટલેગરોની ધરપકડ કરી છે. આ તમામ મહિલાઓ પોતાના ઘેર જ દેશીદારૂની ભઠ્ઠીઓ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ ધરમાંથી દેશી દારૂ અને ગોળની ચાસણી સહિત દારૂને લગતી અનેક વસ્તુઓ મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરખેજ પોલીસે લિસ્ટેડ બુટલેગર, દેશી દારૂની ભઠ્ઠીઓ તથા ચોરી છુપીથી દેશી દારૂનું વેચાણ કરનારા બુટલેગરો પર તવાઇ બોલાવી છે. જેમાં 10 મહિલા બુટલેગરો પણ પોલીસ સકંજામાં આવી છે. જે પૈકી મોટા ભાગની મહિલાઓ પર અગાઉ પણ કેસ થઇ ચુક્યાં છે. જ્યારે 2-3 મહિલા બુટલેગરો વિરુદ્ધ હવે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સરખેજ પીઆઇએ જણાવ્યું હતું. 


ઝડપાયેલી મહિલા બુટલેગરોમાં જયા કાવઠીયા, કોકિ કાવઠીયા, લક્ષ્મી જાડેજા, કૈલાશ ચુનારા, સજન ચુનારા, રાખી વાઘેલા, અંકિતા ચુનારા, હંસા ચુનારા, નિકિતા રાઠોડ અને લલિતા રાઠોડનો સમાવેસ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં દારૂનો વેપલો બેફામ ચાલી રહ્યો છે. જેમાં મોટા ભાગના બુટલેગરો કોઇને કોઇ પોલીસની ઓથે જ આ ધંધો ચલાવી રહ્યા છે. હાલમાં જ પોલીસ કોન્સ્ટેબલ પર હૂમલાની ઘટના બાદ અચાનક પોલીસને જાણે અમદાવાદમાં દારૂ વેચાતો દેખાયો હોય તે પ્રકારે સમગ્ર શહેરમાં દરોડા પાડીને કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube