અમદાવાદઃ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા અંગે સમયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દિવાળી દરમિયાન રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં અને 31 ડિસેમ્બરની મધરાત્રે નવા વર્ષને આવકારવા સમયે રાત્રે 12થી 12.30 દરમિયાન ફટાકડા ફોડવાનો સમય નક્કી કરાયો હતો. જોકે, ત્યારે બાદ સુપ્રીમ કોર્ટે સમય નક્કી કરવાની જવાબદારી રાજ્યોના શિરે નાખી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ સુપ્રીમ કોર્ટે ઓછું વાયુ પ્રદૂષણ ફેલાવે તેવા ફટાકડા ફોડવાનો જ આદેશ કર્યો છે, એટલે કે ચાઈનીઝ અને ધૂમાડો કાઢતા ફટાકડા ફોડવા પર તેનો પ્રતિબંધ યથાવત છે. ફટાકડાના લાયસન્સ વગર વેચાણ કરતા વેપારીઓ અને ઓનલાઈન વેચાણ અંગે પણ સુપ્રીમે પ્રતિંબધ લગાવ્યો છે. આ ઉપરાંત ચાઈનીઝ ફટાકડા અને લૂમવાળા ફટાકડાને ફોડવા માટે પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની આ ગાઈડલાઈન પ્રમાણે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં રાત્રે 8થી 10 સુધી ફટાકડા ફોડવાના જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તીની પોલીસ ધરપકડ કરશે.  


શહેરમાં દિવાળી દરમિયાન પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે ટ્રાફિક વિભાગના ડીસીપી અક્ષય રાજે જણાવ્યું કે, પોલીસ દ્વારા તહેવારોમાં નાગરિકોની સુરક્ષા અને કાયદાનું પાલન કરવા માટે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શહેરના મુખ્ય બજારો અને ભીડભાડવાળા સ્થળોએ ખાસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. 


આ સાથે જ દિવાળી અને નવા વર્ષની રજાઓના દિવસો દરમિયાન શહેર પોલીસ 12 હોક બાઈક દ્રારા ક્રોસ પેટ્રોલીંગ કરશે. આ ઉપરાંત, 75 પીસીઆર વાન અમદાવાદમાં 24 કલાક પેટ્રોલિંગ કરતી રહેશે. ક્રાઈમબ્રાંચ અને સ્થાનિક પોલીસની 14 ટીમો કરશે સર્વેલન્સની કામગીરી સંભાળશે અને 150 હાઈટેક કેમેરા દ્વારા સમગ્ર શહેરનું મોનિટરીંગ કરવામાં આવશે.


ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી જે.કે. ભટ્ટે શહેરમાં અપરાધની ઘટનાઓ અંગે લોકોને જાગૃત રહેવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દિવાળીના પર્વમાં લોકો ફરવા જતા હોવાથી ઘર બંધ હોય છે અને તેના કારણે ચોર ટોળકીઓ વધુ સક્રીય થતી હોય છે. લૂંટ ધાડ અને ઘરફોડના ગુનામા સંડોવાયેલા અને હિસ્ટ્રીશીટર આરોપીઓના ડેટાબેન્ક બનાવીને ક્રાઈમ બ્રાંચની ટીમોએ ગુજરાતના દાહોદ, મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર, રાજસ્થાનના ઉદેયપુર, ડુંગરપુર, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને હરીયાણામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ ઉપારંત જવેલર્સ અને આગંડીયા પેઢીની સુરક્ષા માટે એસોસીએશન સાથે મીટીંગ કરીને મહત્વના સુચનો આપવામાં આવ્યા છે.


તેમણે વધુમાં જણાવ્યું કે, તહેવારોમાં ચેઈન સ્નેચરો, લૂંટારાઓ અને ઘરફોડીઓ પર નિયંત્રણ રાખવા અમદાવાદ પોલીસ એલર્ટ થઈ છે. શહેરીજનોને પણ પોતાની અને પોતાના ઘરની સુરક્ષા માટે સાવચેતી રાખીને પોલીસને મદદરૂપ થવાની અપીલ છે.