અમદાવાદ બળાત્કાર કેસઃ તપાસમાંથી JCP જે.કે ભટ્ટને હટાવાયા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગેંગરેપ કેસમાં ભોગ બનનાર યુવતીએ રવિવાર (1 જુલાઈ)એ પત્રકાર પરિષદ કરીને જે.કે.ભટ્ટ પર આરોપ લગાવ્યા હતા.
અમદાવાદઃ પીડિતા પર ગેંગરેપ કેસની તપાસમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના JCP જે.કે.ભટ્ટને હટાવી દેવાયા છે. હવે ભટ્ટના બદલે આ કેસની તપાસ અમદાવાદ ઝોન-4ના DCP શ્વેતા શ્રીમાળી કરશે. પોલીસ કમિશનરે એવો દાવો કર્યો કે આ કેસની તપાસમાંથી પોતાને મુક્ત કરવાની રજૂઆત જે.કે.ભટ્ટે કરી હતી. જેના આધારે પોલીસ કમિશનરે તપાસમાંથી ભટ્ટને દૂર કરવાનો નિર્ણય લીધો. જો કે ભટ્ટને હટાવવા પાછળ સૌથી મજબૂત કારણ છે પીડિતાના આક્ષેપો. પીડિતાએ જે.કે.ભટ્ટ સામે સીધા આક્ષેપ કર્યા હતા કે ભટ્ટે સ્ટેટમેન્ટ બદલવા માટે મારા પર દબાણ કર્યુ હતું. પીડિતાએ પ્રેસ કૉન્ફરન્સ કરી કહ્યું હતું કે ભટ્ટે મને આડા અવળાં સવાલો કર્યા હતા. પોતાની સાથે અપરાધી જેવો વ્યવહાર જે.કે.ભટ્ટે કર્યો હોવાના આક્ષેપ સાથે પીડિતાએ આ કેસની તપાસ કોઈ મહિલા અધિકારીને સોંપવાની માગ કરી હતી. બની શકે છે પીડિતાના આક્ષેપથી ક્રાઈમ બ્રાંચ અને અમદાવાદ પોલીસની બગડેલી છબીના કારણે તાત્કાલિક અસરથી પોલીસ કમિશનર એ.કે.સિંઘે ભટ્ટને હટાવી શ્વેતા શ્રીમાળીને સોંપી દીધી તપાસ.