કચ્છની ધરતી પર વધુ એક અદભૂત શોધ! પેટાળમાં દટાયેલો કરોડો વર્ષ જૂનો વાનર મળ્યો

10 Million Year Old Monkey Fossil : વૈજ્ઞાનિકોએ 1 કરોડ વર્ષ કરતાં પણ વધુ જૂના વાંદરાઓના અવશેષો શોધી કાઢ્યા, કચ્છમાં 1 કરોડ 5 લાખ વર્ષ જૂના વાંદરાના અશ્મિ મળી આવ્યા છે. અગાઉ 49 ફૂટ લાંબા નાગ વાસુકી નાગના અવશેષો મળી આવ્યા હતા 

કચ્છની ધરતી પર વધુ એક અદભૂત શોધ! પેટાળમાં દટાયેલો કરોડો વર્ષ જૂનો વાનર મળ્યો

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છ કે જે ભૌગોલિક રીતે પણ અનેરું મહત્વ ધરાવે છે. તો કચ્છની ધરામાં લાખો કરોડો વર્ષ જૂના જીવાશ્મિ પણ ધરબાયેલા છે. વખતોવખત વૈજ્ઞાનિકો અને ભૂસ્તર ક્ષેત્રના સશોંધકો દ્વારા તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરીને અમૂલ્ય વારસો કહી શકાય તેવા અવશેષો શોધવામાં આવતા હોય છે. આવા જ 10.5 મિલિયન વર્ષ જૂનાં વાનરના જીવાશ્મિ કચ્છી NRI સંશોધક ડૉ. હિરજી ભુડિયાને મળી આવ્યા છે. 

10.5 મિલિયન વર્ષ જૂનાં વાનરના જીવાશ્મિ મળી આવ્યાં
વિશ્વપ્રસિદ્ધ હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળા આસપાસ જે પ્રકારના જીવાશ્મિ મળી આવ્યા છે તે જ પ્રકારના જીવાશ્મિ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડેમ વિસ્તારમાંથી મળી આવ્યા છે. કચ્છના ટપ્પર ડેમ પાસેથી 1 કરોડ અને 5 લાખ એટલે કે 10.5 મિલિયન વર્ષ જૂનાં વાનરના જીવાશ્મિ મળી આવ્યાં છે. જેની શોધ અને દાવો કચ્છી NRI સંશોધક ડૉ. હિરજી ભુડિયાએ કર્યો છે

વાનરના થાપા, ખભા, હાથ અને પગના હાડકાં મળ્યા
નોંધનીય છે કે 19મી સદીમાં સૌપ્રથમ હિમાલય પર્વતમાળામાંથી સંશોધકોને વાનરના અશ્મિ મળ્યા હતા. આ વાનર જીવાશ્મિ ‘માયોસિન’ યુગના શિવાલિક પિથેક્સ એટલે ગ્રીક ભાષામાં તેનો અર્થ વાનર થાય છે તે હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વર્ષોથી પેલિઓન્ટોલોજી વિષય પર અભ્યાસ અને રિસર્ચ કરતા કચ્છના અને હાલમાં લંડનમાં વસતા સંશોધક ડૉ. હિરજી ભુડિયાના સંશોધન અનુસાર, અંજારના ટપ્પર ડેમ નજીકથી મળી આવેલા અશ્મિમાં વાનરના થાપા, ખભા, હાથ અને પગના હાડકાંનો સમાવેશ થાય છે.

સૌથી પેહલા રિસર્ચ દરમિયાન વાનરના દાંતનો જીવાશ્મિ મળ્યા હતા
11 વર્ષ અગાઉ અંજારના ટપ્પર ડેમની આસપાસના વિસ્તારમાંથી એક રિસર્ચ દરમિયાન વાનરના દાંતનો જીવાશ્મિ મળી આવ્યા હતા. આ જીવાશ્મિ જોયા બાદ ડૉ. હિરજી ભુડિયાએ પણ સંશોધન કરનાર વિદ્યાર્થીને મળીને ચર્ચા વિચારણા કરવા માટે પ્રયત્નો કર્યા હતા અને ત્યાર બાદ તેઓ જાતે ટપ્પર રેન્જમાં જઈને વધુ શોધખોળ શરૂ કરી હતી. વર્ષ 2019માં તેઓ રિસર્ચ શરૂ કરવા માટે કચ્છ આવવાના હતા પરંતુ કોરોના કાળ આવી જતા કચ્છ આવી શક્યા ના હતા. જ્યારે વર્ષ 2023 માં તેઓ કચ્છ આવ્યા હતા પરંતુ વ્યસ્તતાના કારણે અંજારના ટપ્પર ડેમના વિસ્તારમાં જઈ શક્યા ના હતા. પરંતુ આ વર્ષે તેમણે ટપ્પર ડેમ સાઈટમાં રીસર્ચ કર્યું અને આ જીવાશ્મિ તેમને મળી આવ્યાં હતાં.

ખોપડી અને કરોડરજ્જુના અવશેષો મળી આવે તે દિશામાં સંશોધન કરવામાં આવશે
ડૉ. હિરજી ભુડિયાને લાંબી મહેનત બાદ વાનરના આ જીવાશ્મિ શોધવામાં સફળતા મળી હતી અને આ સંદર્ભે તેઓ વધુ સંશોધન પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સંશોધકને જીવાશ્મિમાં વાનરના થાપા, ખભા, હાથ અને પગના હાડકાં મળી આવ્યા છે તો આગામી સમયમાં તેનું ખોપડી અને કરોડરજ્જુના અવશેષો મળી આવે તે દિશામાં સંશોધન હાથ ધરવામાં આવશે.

આપણા પૂર્વજો વાનરો હતા
પેલિઓન્ટોલોજીસ્ટમાં સમાવિષ્ટ એવી જુદી-જુદી થિયરી અંગે ડૉ.હિરજી ભુડિયાએ જણાવ્યું હતું કે, કરોડો વર્ષ જૂનાં વાનરોના જીવાશ્મિ અંગે વિશ્વના ઉત્ક્રાંતિ પ્રમાણે વાનરોની પ્રજાતિમાંથી માનવ સર્જાયેલો છે.એટલે કે આપણા પૂર્વજો વાનરો હતા જો કે, આ વાનરો માનવોના પૂર્વજ વાનરોથી થોડાં જુદાં જ હતાં. જ્યારે દુનિયાના કેટલાંક પેલિઓન્ટોલોજીસ્ટ શિવાલીક પિથેક્સને વર્તમાન ઊરાંગ ઊટાંગ અને ગોરિલાના પૂર્વજ માને છે

ખોરાકની શોધમાં વાનર આ જગ્યાએ પાણી પર સરકીને પડ્યો હશે
આ વાનરો આ વિસ્તારમાં પાણી અને ખોરાકની શોધમાં આવ્યા હશે અને આ ટપ્પર ડેમ વિસ્તારમાં માછલી ખાવા માટે આવ્યા હોય અને પાણીના સ્લોપ વિસ્તાર પર પાણીના કારણે સરકયો હશે અને પડ્યો હશે. તેથી તેના હાડકામાં નુકસાની તેમજ ઘસારો થયો હશે જે આ હાડકાના જીવાશ્મિ પરથી જાણી શકાય છે. વાનરના થાપા, ખભા, હાથ અને પગના હાડકાં પરથી જાણી શકાય છે કે આ વાનરો કંઈ રીતે રહેતા હશે

વાનર જીવાશ્મિ ‘માયોસિન’ યુગના શિવાલિક પેથિકસ
પેલિઓન્ટોલોજી મુજબ અંજારના ટપ્પર ડેમ પાસેથી મળી આવેલ આ વાનર જીવાશ્મિ ‘માયોસિન’ યુગના શિવાલિક પેથિકસ અથવા પિથેક્સ તરીકે ઓળખાય છે. ગ્રીક ભાષા મુજબ Pithecus એટલે વાનર એવો અર્થ થાય છે. પેલિઓન્ટોલોજી એટલે લાખો કરોડો વર્ષ અગાઉ પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલી સજીવ સૃષ્ટિના ફોસિલ્સના આધારે વિવિધ પ્રકારની સંભાવનાઓને તપાસતું શાસ્ત્ર.

19મી સદીમાં સૌપ્રથમ વખત હિમાલય વિસ્તારમાંથી વાનરના અશ્મિ મળ્યાં
ઉલ્લેખનીય છે કે ભારતમાં શિવાલિક પિથેક્સ યુગની અશ્મિઓ હિમાલયન રેન્જની શિવાલીક પર્વતમાળાઓ અને ફક્ત કચ્છમાં એમ બે જ જગ્યાએ જોવા મળે છે. શિવાલીક શબ્દ ભગવાન શિવ સાથે સંકળાયેલો છે અને 19મી સદીમાં સૌપ્રથમ વખત હિમાલય વિસ્તારમાંથી વાનરના અશ્મિ મળ્યાં હતાં. આ ઉપરાંત અન્ય કેટલાંક પેલિઓન્ટોલોજીસ્ટ શિવાલીક પિથેક્સને રામ પિથેક્સ તરીકે પણ માને છે.

ડૉ. હિરજી ભુડિયા પેલિઓન્ટોલોજીસ્ટ તરીકે કરે છે સંશોધન
ડૉ. હિરજી ભુડિયા કે જેઓ અનેક વર્ષોથી પેલિઓન્ટોલોજીસ્ટ તરીકે સંશોધન કરે છે. તેઓ મૂળ કચ્છના જિલ્લામથક ભુજ તાલુકાના માધાપર ગામના વતની છે અને હાલમાં તેઓ વર્ષોથી લંડનમાં સ્થાયી થયા છે. ભૂતકાળમાં તેઓ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પણ કાર્યરત હતા. ડૉ. હિરજી ભુડિયાએ પોતાનો અભ્યાસ મેડિસિન ક્ષેત્રે કર્યો છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી તે પેલિઓન્ટોલોજી ક્ષેત્રે અનેક રીસર્ચ કરી રહ્યાં છે.

કચ્છની અંદર વિવિધ જીઓલોજીકલી હેરિટેજ ધરાવતી સાઈટ્સ
ટપ્પર ડેમ વિસ્તારમાંથી 1.5 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મિ મળી આવતા જાણી શકાય છે કે કચ્છ કેટલું ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને કચ્છની ધરા અમૂલ્ય અવશેષો સાચવીને બેઠી છે. ત્યારે સમગ્ર કચ્છ એક જિયોલોજિકલ હેરિટેજ છે. કચ્છની અંદર વિવિધ જીઓલોજીકલી હેરિટેજ સાથેની સમૃધ્ધ સાઈટ્સ આવેલી છે કે જ્યાં સંશોધન કરવામાં આવે તો અનેક અવશેષો પ્રાપ્ત થાય તેમ છે. થોડાંક સમય પહેલા જ કચ્છની કુળદેવી મા આશાપુરાના સ્થાનક એવા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ પાસે આવેલી જીએમડીસીની ખાણ નજીકથી 47 મિલિયન વર્ષ પહેલાંના 49 ફૂટ લાંબા સાપના એટલે કે વાસુકિ નાગના અશ્મિઓએ મળી આવ્યા હતા જે પણ ચર્ચાનું વિષય બન્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news