અમદાવાદની શોકિંગ મર્ડર મિસ્ટ્રી, પિતાએ પુત્રની હત્યા કરી લાશના ટુકડા અલગ અલગ વિસ્તારમાં ફેંક્યા હતા
Ahmedabad Crime : અમદાવાદ શહેરના ચકચારી હત્યા કેસમાં રાજસ્થાનથી પકડાયો આરોપી, દારુ પીવા બાબતે ઝઘડો થતા પિતાએ જ કરી હતી પુત્રની જ હત્યા, હત્યા બાદ મૃતકના અંગો અલગ અલગ જગ્યાએ ફેંક્યા હતા
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં બે-ચાર દિવસથી એક કિસ્સાએ લોકોને વિચારમાં મૂકી દીધા હતા. વાસણા વિસ્તારમાં એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું. હજી પોલીસે તે વિશે તપાસ શરૂ કરે તે પહેલા જ ગણતરીના કલાકોમાં લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળ્યા હતા. જેથી પોલીસે તપાસ તેજ કરી હતી. આ અંગો એક જ વ્યક્તિના હોવાની શંકા ઉપજી હતી. ત્યારે આખરે અમદાવાદના ચર્ચાસ્પદ મર્ડર મિસ્ટ્રીનો સૌથી મોટો ભેદ ખુલી ગયો છે. આ તમામ અંગે એક યુવકના હતા. યુવકના દારૂ પીવા બાબતે ઝઘડો થતા પિતાએ જ પુત્રની હત્યા કરી હતી, અને બાદમાં તેના શરીરના અંગે કાપીને શહેરના અલગ અલગ વિસ્તારોમા ફેંકી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પિતાની રાજસ્થાનથી ધરપકડ કરી છે.
હત્યારા પિતા નિલેશ જોશીની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે. જેણે પોતાના પુત્રની જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, દારૂ પીવા બાબતે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. નિલેશ જોશીએ હત્યા ક્યાં કરી અને માથુ તથા હાથ ક્યાં નાખ્યા તેની તપાસ હવે શરૂ કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને રાજસ્થાનથી અમદાવાદ લઈને રવાના થઈ છે.
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મળ્યા હતા અંગ
આખરે કોણ છે આ હત્યારો એ સવાલ શહેરભરની પોલીસને સતત સતાવી રહ્યો હતો. જેણે હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા એક બાદ શહેરના અલગ અલગ વિસ્તારના એક કચરાપેટીમાં નાંખ્યા હતા. જેને શોધવા અમદાવાદ પોલીસે ચારે દિશામાં ઘોડા દોડાવ્યા હતા. બે દિવસ પહેલા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમાં એક યુવકનું ધડ મળ્યુ હતું. જે અંગે વાસણા પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતક અને આરોપીની શોધખોળ કરતી હતી. તેના એક દિવસ બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલગી ચાર રસ્તા પાસે માનવ મૃતદેહના બે પગ મળી આવ્યા હતા. જે અંગે એલિસ બ્રિજની સાથે વાસણા પોલીસ પણ તપાસમા જોતરાઈ હતી. કારણ કે એક બાદ એક માનવ અંગો મળી આવતા, હત્યારો જાણે પોલીસ ને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યુ હતું.
આ પણ વાંચો : જુનાગઢના સોલંકી પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, છતાં બેન્ડબાજા સાથે મૃત પુત્રવધુ-દીકરીને વિદાય આપી
વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ અંગોની સાયન્ટિફિક તપાસ શરૂ કરવામાં આવી હતી. એટલે કે માનવ મૃતદેહના બંને ટુકડાઓના ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવ્યા હતા. જેથી આ બંને ટુકડા એક જ વ્યક્તિના છે કે અલગ અલગ તે અંગે તપાસ કરાઈ હતી.
પોલીસ તપાસમાં ટીમને એક મહત્વની કડી મળી હતી. પોલીસને એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. જેમાં એક સિનિયર સિટીઝન આ મનુષ્ય અંગો સીડીમાંથી ઉતારતા અને એક્ટિવા પર લઈ જતા દેખાયા હતા. આંબાવાડી પાસે આ વૃદ્ધની હિલચાલ મળી આવી હતી. તેઓ એવી જ પોલિથીન બેગમાં શંકાસ્પદ વસ્તુઓને લઈ જતા દેખાયા હતા. તેઓ સીડી ઉતરતા દેખાયા હતા. જેના બાદ તેઓ એક્ટિવા પર બેગ લઈને દેખાયા હતા. પોલિથીન એકસરખી હોવાથી પોલીસે તપાસ તેજ કરી હતી.
આ પણ વાંચો : તૂટેલા બે દિલ ફરી જોડાયા! કોરોનાકાળની એકલતામાં પતિનું હૃદય પીગળ્યું અને છૂટાછેડાનો કેસ પરત ખેંચાયો
આખરે આ વૃદ્ધ રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર હોવાનુ ખૂલ્યુ હતું. તેને શોધવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાગી ગઈ છે. આખરે ખુલાસો થયો હતો કે, રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર નિલેશ જોશીએ જ પોતાના પુત્રની હત્યા કરી હતી.