અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ડિજીટલ ઇન્ડિયા હેઠળ હવે દેશમાં સરકાર દ્વારા હાઇટેક ટેક્નોલોજીને સતત પ્રોત્સાહન અપાઇ રહ્યુ છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, વિવિધ ક્ષેત્રોમાં રોબોટિક્સ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધુ રહ્યુ છે. મોટી હોટલ, રેસ્ટોરન્ટ હોય કે પછી હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશનનુ કામ. અનેક પ્રકારની કામગીરી કરવા માટે હવે રોબોટને માધ્યમ બનાવાઈ રહ્યું છે. ત્યારે હવે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરોની મદદ માટે ખાસ રોબો મિત્ર મૂકવામાં આવ્યો છે. તમામ પ્રકારની માહિતી પૂરી પાડતી રોબોટિક્સ ટેકનોલોજી અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ વખત લાવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસાફરો વચ્ચે ફરશે રોબોટ 
ભારતીય સ્ટાર્ટઅપ ઇન્વેન્ટો રોબોટિક્સ દ્વારા રોબોટને અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટના ડિપાર્ચર ટર્મિનલમાં મૂકવામાં આવ્યો છે. બેંગ્લોરથી આવેલી સ્ટાર્ટઅપ કંપનીની સ્પેશિયલ ટીમ દ્વારા આ રોબોટનું એરપોર્ટ પર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યુ છે. જેનું નામ 'મિત્ર રોબોટ' આપવામાં આવ્યુ છે. કારણ કે આ મિત્ર રોબોટ મુસાફરોને મિત્રની જેમ જ વિવિધ માહિતી આપવામાં અને અન્ય સમસ્યાનુ હલ લાવવામાં મદદ કરે છે. આ રોબોટ ટર્મિનલમાં આવનજાવન કરતા મુસાફરો વચ્ચે રહેશે. 


આ પણ વાંચો : વહુના પરિવારને સત્યના પારખા કરાવ્યા, અંધશ્રદ્ધાના નામે 6 લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખ્યા


મુસાફરોના સવાલોનો જવાબ આપશે રોબો મિત્ર 
જો કોઇ મુસાફરને કોઈ પ્રશ્નો હશે, જેમ કે કંઇ એરલાઇનનું કાઉન્ટર ક્યાં છે, તેમજ ટોઇલેટ ક્યાં ઉપલબ્ધ છે તે સહિતની અન્ય માહિતીની જરૂર હશે, તો તે રોબોટ માહિતી સાથે જગ્યા પર રૂબરૂ જઇને મુસાફરને બતાવશે. જેના કારણે મુસાફરોને ટર્મિનલમાં પડતી માહિતી સંબંધી વિવિધ સમસ્યાનો અંત આવશે. હાલ તો એરપોર્ટ પર આવતા મોટાભાગના મુસાફરોની સૌથી મોટી સમસ્યા ટોયલેટ, પીવાના પાણીની અથવા તો ફૂડ સ્ટોલ સહિતની હોય છે. હવે આ મિત્ર રોબોટ આવતા મુસાફરોની આ સમસ્યાનો ઉકેલ આવશે. 


દેશના મુંબઇ, દિલ્હી જેવા વ્યસ્ત અને અતિ મોટા એરપોર્ટ ખાતે પણ રોબોટિક્સ ટેકનોલોજી આવી નથી. ત્યારે સૌથી પહેલા ગુજરાતના એરપોર્ટ પર આ ટેકનોલોજી જોવા મળશે. હાલમાં તો એરપોર્ટ પર ફક્ત ટ્રાયલ રન શરૂ કરવામાં આવી છે. જો મુસાફરોનો પૂરતો અને યોગ્ય સહયોગ મળશે તો બીજા રોબોટ પણ ટર્મિનલમાં મૂકવામાં આવશે. 


આ પણ વાંચો : ડાંગના આદિવાસીઓએ બનાવેલી વાંસની રાખડી આખા દેશમાં વેચાશે, ક્યાંય નહિ મળે તેવી યુનિક રાખી બનાવી