ડાંગના આદિવાસીઓએ બનાવેલી વાંસની રાખડી આખા દેશમાં વેચાશે, ક્યાંય નહિ મળે તેવી યુનિક રાખી બનાવી
સ્નેહલ પટેલ/નવસારી :ભાઈ અને બહેનો પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન. આ તહેવાર દરેક ભાઈ બહેન ધામધૂમ પૂર્વક ઉજવતા હોય છે. આ તહેવારના દિવસે દરેક બહેન પોતાના ભાઈના હાથ રાખડી બાંધી ઉજવતી હોય છે. ત્યારે આ વખતે બહેન અનોખી રાખડી એટલે કે વાંસમાંથી બનાવેલી રાખડી પોતાના ભાઈના હાથ ઉપર બાંધીને આ રક્ષાબંધન (rakshabandhan) ના તહેવારની ઉજવણી કરતી જોવા મળશે.
ભાઈ બહેન માટે પ્રેમના પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં રાખડીની રંગબેરંગી અને જુદી જુદી ડિઝાઈન ઉપલબ્ધ છે. પરંતુ આ વખતે ગુજરાતના ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓએ બનાવેલી રાખડી ચર્ચામાં આવી છે. ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓએ ઈકો ફ્રેન્ડલી રાખી બનાવી છે. ખરેખર ડાંગ જિલ્લો 100% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અહીં આદિવાસી સમાજના લોકો પરંપરાગત ખેતી કરે છે અથવા મજૂરી કરે છે. પરંતુ અહીંનો કોટવાળીયા સમાજ વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનું કામ કરે છે.
તેઓ વાંસમાંથી ટોપલા ટોપલી બનાવતા હોય છે. તો કેટલાક લોકો રોજીરોટી ન મળવાને કારણે સ્થળાંતર પણ કરી જતા હોય છે. ત્યારે એક ખાનગી સંસ્થા દ્વારે તેમને રોજગારીની નવી તકો પૂરી પાડવા તેમજ તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરાયા છે. તેમને હજારો રાખડીઓ બનાવવાનું સૂચવ્યું છે. જેથી હાલ આદિવાસી મહિલાઓ પણ વાંસમાંથી એટલે કે જંગલમાંથી મળતા વાંસમાંથી રાખડીઓ બનાવી રહી છે.
વાંસમાંથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવાની મહિલાઓને તાલીમ આપીને રોજગારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ દિવસોમાં ડાંગની આદિવાસી મહિલાઓનું એક જૂથ અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવીને તેને સમગ્ર દેશમાં મોકલી રહ્યું છે. આ રાખડીની કિંમત 50 થી 200 રૂપિયા રાખવામાં આવી છે. આ વર્ષે ડાંગની અનેક મહિલાઓએ 5000 જેટલી રાખડીઓ બનાવીને દેશના વિવિધ શહેરોમાં મોકલી છે.
રાખડી બનાવવાની ટ્રેનિંગ આપનાર અંકિત મલિક કહે છે કે, ડાંગની આ મહિલાઓ વાંસ માંથી ટોપલા ટોપલી બનાવીને જે આવક મેળવે છે, એના કરતા વધારે આવક રાખડી બનાવીને મેળવતી થઈ છે. ત્યારે હવે આવનાર સમયમાં હજુ પણ ઘણી મહિલાઓ આ રાખડીના ઉત્પાદનના વ્યવસાયમાં જોડાઈને આત્મનિર્ભર બને તો નવાઈ નહિ.
Trending Photos