ઝી બ્યુરો/અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ 24 કલાકની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ શુક્રવારે રાજ્યના 192 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગઈકાલે (શુક્રવાર) સમીસાંજથી વરસાદ શરૂ થયો હતો, અને મોડી રાત સુધી વરસ્યો હતો. અમદાવાદમાં રાત્રે કડકા ભડાકા સાથે એક ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ત્રણ કલાક ખૂબ જ ભારે હોવાની આગાહી કરીને શહેરીજનોને ચેતવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે બની શકે છે. અમદાવાદ સહીત રાજ્યના મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, અરવલ્લી વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે હજી પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પીછો છોડવાનો નથી, એટલે કે હજુ પણ ત્યાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, દાદરનગર હવેલી, દમણ, તાપી, ડાંગ, વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.


ગુજરાતીઓ લાપસીના એંધાણ મૂકો, આ શહેરમાં આગામી એક વર્ષ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ


મહત્વનું છે કે, આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. પરંતુ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની નહીવત શક્યતા છે, પરંતુ એનો મતલબ એવો નથી કે અહીં વરસાદ નહીં પડે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો છે. જ્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણે કે હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.


નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ વરસી રહેલા ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ક્યાંક કેડસમા પાણી ભરાયા છે તો ક્યાંક ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીનો નાશ થયો. ગુજરાતના અનેક એવા જિલ્લા છે જ્યાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં ખાસ કરીને વાત કરીએ ડાંગ જિલ્લાની તો ડાંગ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ, કોઝવે, ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. 


છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ આવતા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે. જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીઓમાં ઘોડાપૂર આવતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જેમાં ખાસ કરીને પૂર્ણા નદી નજીક આવેલું માછળી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પૂર્ણા નદીના પાણી ગામમાં ઘૂસી જતાં ભારે તારાજી સર્જાય છે. લોકોની ઘરવખરીનો તમામ સામાન પૂરના પાણીમાં તણાઈ ગયો છે. માછળી ગામના લોકોનું જીવવું હાલ મુશ્કેલ થઈ ગયું છે. માછળી સાથે ખાતળ, પાંઢરમાળ, વાંકળ, પાતળી સહિતના ગામોમાં ઘરો અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના પાણી ગામમાં આવતા લોકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ વિસ્તારના લોકોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube