Ahmedabad : વેજલપુરમાં રૂપિયાની લેતીદેતીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપી પકડાયા
Ahmedabad News : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં તાજેતરમાં જ રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હતી. આ કેસમાં વેજલપુર પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પરંતુ મુખ્ય આરોપી કુખ્યાત આરોપી સમીર ઉર્ફે પેન્ડી સહિતના બે આરોપી હજી ફરાર છે, જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસની ગિરફતમાં કાળા બુરખામાં રહેલા આરોપી ઈરફાન ઉર્ફે મોગલી શેખ અને સલીમસઇદ પઠાણને વેજલપુર પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે. બંને આરોપીઓનો હત્યા કેસમાં મુખ્ય આરોપીને મદદગારી કરવાનો રોલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે આ ધટના અંગે વાત કરીએ તો, શહેરના જુહાપુરામાં રહેતો વસીમુદ્દીન શેખ શનિવારે મોડી રાત્રે તેના ભાઇના ઘરે હાજર હતો. આ દરમિયાન મહેમાન આવતા જ તે ઘરેથી નીકળી ગયો અને થોડી વારમાં પરત આવશે તેમ કહી સંકલિતનગર વિસ્તારમાં ગયો હતો. ત્યાં કોઇ જગ્યાએ તે બેઠો હતો તે દરમિયાન જ કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી અને તેના ત્રણ માણસો આવ્યા. આ ત્રણ આરોપીઓએ વસીમુદ્દીનને પકડી રાખ્યો અને આરોપી સમીર પેન્ડીએ છાતીમાં ત્રણેક ઘા મારતા વસીમુદ્દીનનું મોત થયું. જે બાદ ચારેય આરોપી ફરાર થઈ ગયા અને પોલીસ તપાસ કરતા હત્યામાં છરી વડે મારતા પહેલા મૃતકને પકડી રાખનાર બે આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : ચૂંટણીનું રણશીંગુ ફૂંકાતા પાટીદારો એક થયા, અમદાવાદમાં મળશે મોટી બેઠક
મુખ્ય આરોપી શહેફીલ ઉર્ફે જબ્બો અને કુખ્યાત સમીર ઉર્ફે પેન્ડી પઠાણ પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે. ત્યારે બંને આરોપી ગુજરાત બહાર ભાગી ગયા હોવાથી પોલીસે તપાસ તેજ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકને આરોપી સમીર ઉર્ફે પેન્ડીના ભાઇ પાસે નાણાની ઉઘરાણી હોવાથી તે અવાર નવાર પૈસા માંગતો હતો. જેની ઉઘરાણીથી કંટાળી સમીર ઉર્ફે પેન્ડીએ હત્યા કરવાનું મનોમન નક્કી કર્યું અને તેના માણસો સાથે મળી હત્યાને અંજામ આપ્યો.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી સમીર પેન્ડી સામે અગાઉ અનેક ગુના નોંધાયા છે અને તેની સામે પોલીસે પાસા પણ કરી હતી. તો આરોપી સમીર ઉર્ફે પેન્ડી ગુજસીટોક જેવા ગંભીર દસેક ગુનાના આરોપી સુલતાન ખાનનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું છે.
પકડાયેલ બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્યારે હત્યા પાછળનું પ્રાથમિક કારણ માત્ર રૂપિયાની લેતીદેતી જ સામે આવી છે. જોકે અન્ય કોઇ કારણ હતું કે કેમ તે બાબતને લઇને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.