સંજય ટાંક/ અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે તેમ છતાં શહેરના કેટલાક વિસ્તારમાં તેમજ શહેર નજીક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પાઉચ વેચાઈ રહ્યાં છે. ત્યારે આ પાણીના પાઉચ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે તેવું સીઈઆરસી દ્વારા કરાયેલા પાઉચની લેબ તપાસમાં સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહિના અગાઉ પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં શહેરના સ્લમ વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હજુએ પાણીના પાઉચ વેચાઈ રહ્યાં છે ત્યારે આ પાણીના પાઉચ પર કન્ઝ્યુમર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા લેબોરેટરી તપાસ કરાતાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. પાણીના પાઉચમાંથી ઈકોલાઈ નામના બેક્ટેરિયા મળ્યા છે. જે સ્વાસ્થ્ય માટે હાની કારક છે. 


સીઈઆરસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી 10 અલગ અલગ બ્રાન્ડના પાણીના પાઉચ લેવાયા હતા. જેમાં 60 ટકા પાણીના સેમ્પલ ફેઈલ થયા છે. એટલુ જ નહિ ઘણા પાઉચના પેકેટ પર પેકેજિંગ ડેટ કે મેન્યુફેક્ચર ડેટ પણ મીસીંગ જોવા મળી છે. 


હાલ અમદાવાદ ઉપરાંત રાજકોટ સહિતના મોટા શહેરોમાં પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ છે. જો કે આ પ્રતિબંધ છતાં ક્યાંક ને ક્યાંક તેનો કડક અમલ નહિ થતાં પાણીના પાઉચ વેચાઈ રહ્યાં છે. જેથી તંત્ર દ્વારા પાઉચના વેચાણ પર પ્રતિબંધનો કડક અમલ થાય તેવી અપીલ પણ સીઈઆરસી દ્વારા કરાઈ છે.