Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. મંગળવારે થનારાં મતદાન ઉપર ગરમીની કેવી અસર થશે તેની પર મોટો આધાર છે?  જ્યારે જ્યારે પણ મતદાન ઘટ્યું છે એનો ફાયદો કોંગ્રેસને થયો છે. ભાજપે સવાર સવારમાં જ મતદાન કરવા માટે જબરદસ્ત કમરકસી છે. આવતીકાલની ચૂંટણી પર ક્ષત્રિયોના વિરોધની કેવી અસર થશે તેની પર પણ મોટો મદાર છે. મતદાનની ટકાવારીમાં ઘટાડાનો ટ્રેન્ડ ત્રીજા તબક્કામાં પણ જળવાઈ રહેશે? આવા અનેક સવાલો અને ચર્ચાઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં રાજકીય નિષ્ણાતો વર્ષ ૨૦૧૯ની લોકસભા અને તે પછી વર્ષ ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષ ભાજ૫, કોંગ્રેસને મળેલાં મતોની ટકાવારીમાં ઘટાડા, વધારાની ચર્ચા પણ કરે છે.


ગુજરાતમાં ચૂંટણીના આંકડાઓ પર એક નજરઃ
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની આંકડાકીય ગણતરીમાં એક ડોકિયું કરીએ તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં સત્તા પક્ષને મળેલા મતમાં ૧૦ % જેટલો  ઘટાડો નોંધાયો હતો. હાલમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનો સત્તા પક્ષ સામે વિરોધ પ્રદર્શન, ક્ષત્રિય સમાજના સમર્થનમાં અન્ય સમાજ દ્વારા મળેલા સમર્થન, શિક્ષકોની કાયમી ભરતી બાબતે, સમગ્ર રાજ્યમાં બેરોજગારી મુદ્દે વિરોધ, સરકારી કર્મચારીઓમાં જૂની પેન્શન યોજના મુદ્દે વિરોધ અને અંગ દઝાડતી ગરમીમાં મતદાનની ટકાવારીની સાઈડ ઈફેક્ટના કારણે સતાપક્ષને ઉનાળાની ભરબપોરે પરસેવાના રેલા ઉતારશે તેવી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. 


માઈનસ બુથને પ્લસ કરવા ભાજપની મથામણઃ
વિધાનસભાની ચૂંટણીમાં 50 હજાર બુથોમાંથી 15 હજાર બુથ માઈનસમાં રહ્યાં હતા. ભાજપ આ માઈનસ બુથને પ્લસ કરવા માટે કમરકસી છે. પાટીલે ધારાસભ્યોને પણ ચિમકી આપી છે કે જે ધારાસભ્યના મતવિસ્તારમાં બુથ માઈનસ રહ્યું તો ફરી ટિકિટ ભૂલી જજો. 15 હજાર બુથોને પ્લસ કરવા ભાજપ માટે કપરાં ચઢાણ છે. એક મહિના પહેલાં 5 લાખની લીડની વાતો કરતી ભાજપ માટે હવે જીત મહત્વની બની ગઈ છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદન બાદ હવે ભાજપ 7 સીટો પર મુશ્કેલીઓ અનુભવી રહી છે. ભાજપને જીતનું ટેન્શન નથી પણ માર્જિનમાં મોટો ઘટાડો થાય તેવી પૂરી સંભાવના છે. 


લોકસભાની ચૂંટણીનું આંકડાકીય ગણિત સમજોઃ
વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કુલ ૪,૩૫,૬૩,૩૭૩ મતદારો નોંધાયા હતા. જેમાંથી ૨,૯૦,૮૨,૪૪૬ મતદારોએ મતદાન કરતાં ૬૬.૮૦% જેટલું મતદાન નોંધાયું હતું .જેમાંથી ભાજપને ૬૩.૧૦% અને કોંગ્રેસ સહિત અને પક્ષોને માત્ર ૩૯.૯૦% મત મળ્યા હતા. ત્રણ વર્ષના અંતે વર્ષ ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૪,૯૧,૩૪,૦૦૯ જેટલા મતદારો નોંધાયા હતા. જેમાંથી ૩,૧૩,૨૯,૩૯૧ મતદારોએ મતદાન કરતી કુલ ૬૩.૮૦% મતદાન નોંધાયું હતું. જેમાંથી ભાજપને પ૩.૩૦% અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોને ૪૬.૭૦ % મત મળ્યા હતા. લોકસભા અને વિધાનસભાના ત્રણ વર્ષના સમયગાળામાં સત્તા પક્ષને ૧૦%  ટકા મત ઘટ્યા છે.


આ વખતે લોકસભા ૨૦૨૪ માં ૪,૯૪,૪૯,૪૯૯ જેટલા મતદારો નોંધાયા છે. હાલમાં,સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનું સત્તા પક્ષ ભાજપના વિરોધમાં મતદાનની જાહેરાત, ક્ષત્રિય સમાજને અન્ય સમાજ દ્વારા મળેલાં સમર્થનને પગલે સ્થિતિ બદલાઈ શકે છે. ગુજરાતમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે મોદી જ એકમાત્ર સહારો છે. જે માર્જિનને વધારી શકે છે. ગુજરાતીઓ ભાજપ નહીં પણ લોકસભાની ચૂંટણીમાં મોદીને જોઈને મત આપતા હોય છે. મોદી ફેક્ટર કામ ન કર્યું તો ભાજપને મોટું નુક્સાન ભોગવવાની તૈયારી રાખવી પડશે.