અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં એક એવું તળાવ છે, જેના બ્યુટિફિકેશન પાછળ મહાનગર પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. બે વર્ષ પહેલાં તળાવનું લોકાર્પણ પણ કરી દેવાયું. તેમ છતા સ્થાનિકોને તળાવના પરિસરમાં આવવાની મંજૂરી નથી. તેનું કારણ છે સત્તાધીશોની બેદરકારી અને ગેરવહીવટ, જે બગીચો અને વોકિંગ ટ્રેક લોકો માટે બનાવાયો હતો, ત્યાં તળાવમાંથી છલકાતું ગટરનું ટ્રીટ કરાયેલું પાણી ભરાઈ રહે છે. નવાઈની વાત એ છે કે તળાવ કોઈ પણ સીઝનમાં ઓવરફ્લો જ હોય છે. જેની સજા લોકો ભોગવે છે. શું છે આ સમગ્ર કિસ્સો, કયું છે આ તળાવ?


  • તળાવની બહાર પણ એક તળાવ

  • ગંદા પાણીમાં ગરકાવ ગાર્ડન

  • વોકિંગ ટ્રેક પર સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેરના લાંભા તળાવ જે મહાનગર પાલિકાના ગેરવહીવટનો એક મોટો નમૂનો છે. વિકાસના બણગા ફૂંકતા સત્તાધીશોએ 4 કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચે લાંભા તળાવનું બ્યુટીફિકેશન કર્યું, વોકિંગ ટ્રેક અને ગાર્ડન સહિતની સુવિધાઓનું નિર્માણ કરાયું. બે વર્ષ પહેલાં ડિસેમ્બર 2021માં તળાવનું લોકાર્પણ પણ કરી દેવાયું, જો કે ત્યારથી આજ સુધી આ તળાવ પરિસરમાં લોકોને પ્રવેશ આપવામાં નથી આવતો. 


લાંભા વિસ્તારના ગટરના પાણીને ટ્રીટ કર્યા બાદ પાણીને કેનાલની જગ્યાએ સીધું લાંભા તળાવમાં જ છોડી દેવાય છે. તળાવમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી તળાવ ઓવરફ્લો થયા કરે છે, પાણી ગાર્ડન તેમજ વોકિંગ ટ્રેક પર ભરાઈ રહે છે. બે વર્ષથી લોકો આ પ્રકારના દ્રશ્યો જોવા મજબૂર છે. લોકોના કરવેરામાંથી જે જગ્યાનો વિકાસ કરાયો છે, તે જગ્યાનો ઉપયોગ લોકો જ નથી કરી શકતાં. પાણી ભરાઈ રહેતાં ગાર્ડન અને જોગિંગ ટ્રેક ખરાબ થઈ ચૂક્યા છે. બંધિયાર પાણીને કારણે લોકો ગંદકી અને દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતા કોઈ પરિણામ નથી આવતું.


અમદાવાદ મહાનગર પાલિકાના અંધેર વહીવટની હદ ત્યારે થાય છે, જ્યારે લોકોને તળાવ પરિસરમાં જતાં રોકવા માટે સિક્યોરિટી મૂકી દેવાઈ છે, પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. સત્તાધીશો કે પછી સ્થાનિક  કોર્પોરેટર પણ  આ મામલે બોલવા તૈયાર નથી. તમામે ભેદી મૌન સેવી લીધું છે. ત્યારે સવાલ એ છે કે લાંભા તળાવ પરિસરની દુર્દશા માટે જવાબદારો કોણ. જનતાની સંપત્તિનો ઉપયોગ જનતા જ કેમ નથી કરી શકતી. જો તળાવને ખાળકૂવો જ બનાવવો હતો, તો પછી તેનું બ્યુટીફિકેશન કેમ કરાયું. શા માટે જનતાના કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવ્યો. કેમ સત્તાધીશ કંઈ બોલવા તૈયાર નથી.


વિચારવા જેવી વાત એ પણ છે કે આ પ્રકારના કેટલા કામોમાં મનપાનું બજેટ ખર્ચાઈ જતું હશે, જેનો લાભ જનતાને જ નથી મળતો. શું સરકાર મનપાના સત્તાધીશો પાસે આ ગેરવહીવટનો જવાબ માગશે.