અરવલ્લીઃ શામળાજી પોલીસ લાઇનમાંથી 133 પેટી વિદેશી દારૂની ચોરી
પોલીસ સ્ટેશનમાંથી દારૂની ચોરી થતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.
શામળાજીઃ ચોર કોઇની દુકાન કે ઘરમાં ચોરી કરે છે. પરંતુ જ્યારે ચોર પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી કરે તો તે ચર્ચાનો વિષય બને છે. આવી ઘટના અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનમાં બની છે. અરવલ્લીના શામળાજી પોલીસ લાઈનમાંથી બુટલેગરો પાસેથી ઝડપેલો દારૂની જ ચોરી થતાં પોલીસ દોડતી થઈ હતી. શામળાજી પોલીસ લાઈનમાંથી દારૂના ગુનામાં પકડાયેલા 7.75 લાખના વિદેશી દારૂની 133 પેટીની ચોરી થઈ ગઈ હતી. પોલીસ લાઈનમાં રાખેલા વાહનમાંથી અજાણ્યા લોકો દારૂ લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસ લાઈનમાં જ ચોરીનો બનાવ બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. ત્યારે દારૂ ચોરનારને ઝડપવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોં છે.
પ્રાપ્ત વિગત અનુસાર અરવલ્લી જિલ્લો સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. તેથી દર વર્ષે અહીં લાખો લીટર દારૂ ઝડપાઇ છે. ગત રાત્રે ચોરોએ શામળાજી પોલીસ સ્ટેશનમાં રહેલા દારૂની ચોરી કરી હતી. શામળાજી પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ગાડીઓ સાથે ઝડપાયેલો દારૂ રાખવામાં આવ્યો હતો. તો અંધારાનો લાભ લઈને ચોરોએ અહીંથી દારૂની ચોરી કરી છે. આ ટ્રકો જ્યાં રાખતા હતા ત્યાં ફરજ બજાવતા બે જવાનો સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલતો પોલીસ સ્ટેશનમાંથી દારૂની ચોરી થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યાં છે.