ગાંધીનગર: ‘ડિજિટલ ઇન્ડિયા’ અંતર્ગત ગુજરાતમાં સરકારી કામકાજનું ડિજિટિલાઇઝેશન કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત વિધાનસભાની તમામ કાર્યવાહીને પેપરલેસ બનાવવાના હેતુથી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વિધાનસભા ખાતે ‘નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NeVA)  અંતર્ગત તા. ૨૬ નવેમ્બર-૨૦૧૮થી બે-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ દ્વારા NeVA ગુજરાતની નેશનલ એવોર્ડ વિજેતા ટીમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.


વિધાનસભા ખાતે તા.૨૬ અને ૨૭ નવેમ્બર-૨૦૧૮ દરમિયાન સવારે ૧૧-૦૦ કલાકે બે દિવસીય વર્કશોપમાં NeVAની વિશેષતાઓ ટેકનિકલ પાસાઓ, NeVAની સંસદીય ટીમ દ્વારા માસ્ટર ડેટા એન્ટ્રીની પદ્ધતિની સમજ, NeVAનો લાઇવ ડેમો અને પ્રશ્નોતરી સહિતના વિવિધ સત્રો યોજાશે. જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી  વિભાગના સચિવ, NeVA ટીમ અને NICના અધિકારીઓ, તજજ્ઞો NeVAના અમલીકરણ અંગે માર્ગદર્શન આપશે.