Women`s Day 2022: જ્યાં જીવતે જીવ લોકો પોતાનાને ત્યજી દે છે ત્યાં આ મહિલા મૃતદેહોના વારસ બની હિન્દુ વિધિથી કરે છે અંતિમ સંસ્કાર
Internation Women`s Day: ભાદરણ ગામના મુળ વતની અલ્પાબેન પટેલ વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા છે. મહિલા સશક્તિકરણ અને મહિલા ઉપર અત્યાચાર અને ત્રાસ ગુજારવાના બનાવમાં પણ તેઓ મહિલાઓને ન્યાય અપાવવા માટે કાર્યરત છે
બુરહાન પઠાણ, આણંદ: આણંદ જીલ્લામાં મળેલા બીન વારસી મૃતદેહોના વારસ બની હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સન્માનપુર્વક અંતિમ સંસ્કાર કરનાર ભાદરણના મુળ નિવાસી અલ્પાબેન પટેલે અત્યાર સુધીમાં 382 થી વધુ બીનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી તેઓ બિનવારસી મૃતદેહોનાં વારસ બન્યા છે. જ્યારે મહિલાઓ સ્મશાનગૃહમાં જતા ખચકાય છે ત્યારે અલ્પાબેન પટેલે પોતાની જાતે 382 થી વધુ મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરી અનોખું કાર્ય કરી રહ્યા છે.
ભાદરણ ગામના મુળ વતની અલ્પાબેન પટેલ વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા છે. મહિલા સશક્તિકરણ અને મહિલા ઉપર અત્યાચાર અને ત્રાસ ગુજારવાના બનાવમાં પણ તેઓ મહિલાઓને ન્યાય અપાવવા માટે કાર્યરત છે. અનેક મહિલાઓને તેઓએ ન્યાય અપાવ્યો છે. જ્યારે ઘર કંકાસના કેસોમાં મહિલા અને તેના સાસરીયા સાથે કાઉન્સેલ કરી તેઓએ અનેક તુટતા દાંપત્યને બચાવી લીધા છે. છેલ્લા પાંચ વર્ષોથી અલ્પાબેન પટેલ બીનવારસી મળેલા મૃતદેહોને અંતિમ સંસ્કાર કરી તેઓની અવ્વલ મંજીલે પહોંચાડવાના ઉમદા કામ કરી રહ્યા છે. આણંદ જીલ્લામાં અજાણી વ્યક્તિઓના મૃતદેહ મળી આવે અને તેમના વાલી વારસો મળે નહી તેવા કેસમાં પોલીસની કાર્યવાહી બાદ અલ્પાબેન મૃતદેહને સ્વીકારી તેના વારસ બનીને અજાણ્યા મૃતદેહના હિન્દુ વિધિ અનુસાર સન્માનપુર્વક અંતિમ સંસ્કાર કરી તેઓના અસ્થી વિસર્જન પણ સન્માન અને પુજાઅર્ચના સાથે કરવામાં આવે છે.
અલ્પા પટેલે અત્યાર સુધીમાં 382 થી વધુ બીનવારસી મૃતદેહોની અંતિમ વિધિ કરવાનું અનોખું સેવાભાવી કાર્ય કર્યું છે. જ્યારે તેમણે 170 થી વધુ રખડતા ફરતા ભીખારી જેવા અનેક લોકોને આશ્રમમાં આશ્રય અપાવ્યો છે. જ્યારે 275 થી વધુ મહિલાઓને સ્વનિર્ભર બનાવી તેઓને સમાજમાં પુનઃ સ્થાપિત કરી છે. જીલ્લામાં જેનું કોઈ નથી નિરાધાર છે તેવા લોકો માટે અલ્પાબેન પટેલ આધાર બન્યા છે. બીનવારસી મૃતદેહ હોય કે પછી રસ્તા પર રખડતા રઝડતા નિરાધાર લોકો હોય, ત્યક્તા હોય કે વિધવા મહિલાઓ કે પછી તરછોડાયેલા અસ્થિર મગજના નિરાધાર વ્યક્તિઓ તેમના માટે અલ્પાબેન આધાર બની રહ્યા છે. તેઓ આર્થિક પછાત વર્ગના 27 થી વધુ બાળકોને અભ્યાસ માટે મદદ કરી રહ્યા છે. તેમજ મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે સિવણકામ, ભરતકામ, બ્યુટી પાર્લર, બેકરી, પેઈન્ટીંગ કે અન્ય વ્યવસાય તાલીમ પણ આપે છે.
સવર્ણ સમાજ સાથે જોડાયેલા હોવા છતાં તેઓએ બીનવારસી મૃતદેહોના વારસ બની તેઓને અવ્વલ મંજીલે પહોંચાડવાનું કામ હાથ ધર્યું ત્યારે શરુઆતમાં થોડા ગમા અણગમા વચ્ચે પણ તેઓએ કામ શરુ કર્યું હતું. ત્યારબાદ હવે જ્યારે બીનવારસી મૃતદેહના અંતિમ સંસ્કારનો પ્રશ્ન આવે તો પોલીસ દ્વારા પણ તેઓનો સંપર્ક સાધવામાં આવે છે અને અત્યાર સુધીમાં તેઓ 382 થી વધુ બીનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચુક્યા છે અને સમગ્ર કામ તેઓ જાતે કરે છે.
આ ઉપરાંત અલ્પાબેન પટેલે જીલ્લાના પંદર જેટલા ગામોમાં વાંચન પ્રેમીઓ માટે પુસ્તક પરત શરુ કરાવી છે અને નાના પાયે પુસ્તકાલય શરુ કરી તેઓ ગ્રામજનોને વાંચન સામગ્રી પુરી પાડે છે તેમજ જેલના કેદીઓ માટે રચનાત્મક પ્રેરણા આપે તેવા પુસ્તકો પુરા પાડે છે. આ ઉપરાંત તેઓ અત્યાર સુધીમાં 23500 થી વધુ વૃક્ષારોપણ કરી રહ્યા છે અને આ તમામ વૃક્ષોનું તેઓ ધ્યાન રાખી ઉછેર કરી રહ્યા છે. સંસ્કૃતિ અને આરોગ્ય ક્ષેત્રે પીપળનું ખુબ જ મહત્વ રહ્યું છે. ત્યારે તેઓ ગામડાઓમાં પીપળવન અભિયાન હાથ ધરી પીપળાના વૃક્ષો ઉછેરવાનું ઉત્તમ કામ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube