બુરહાન પઠાણ/આણંદ :પોતાનું કામ સરળ કરવા માટે આજકાલ લોકો દેશી જુગાડ કરતા હોય છે. ક્યારેક આ દેશી જુગાડ અન્ય લોકોને એટલા ગમી જાય છે કે, ઈન્ટરનેટના આશિકો આ ઈન્ડિયન જુગાડના પ્રેમમાં પડી જાય છે. આવો જ એક દેશી જુગાર મહારાષ્ટ્રના શખ્સે અપનાવ્યો છે, જે આણંદના નાગરિકોને ગમી ગયો છે. આણંદ શહેરમાં શેરડીના રસના કોલાનું મસીન સાથેનો ઠેલો લાવવા લઈ જવા માટે મહારાષ્ટ્ર મૂળના શખ્સે એક અનોખો જુગાડ કર્યો છે. ઠેલા સાથે જૂની મોટર સાયકલ જોડી દીધી છે. જેનાથી તે આસાનીથી શેરડીના રસની લારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાળો આવે એટલે ગુજરાતમાં ગલીએ ગલીએ શેરડીના રસનું વેચાણ થાય છે. ત્યારે આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ શેરડીના રસનું વેચાણ કરવા માટે મહારાષ્ટ્રના અકોલાના અશોક ખરડે દર ઉનાળામાં આવી પહોચે છે. અકોલાથી છેલ્લા નવ વર્ષથી ગરમીની સીઝનમાં શેરડીના રસનું વેચાણ કરવા અશોક ખરડે આણંદમાં આવે છે. એક સમય હતો, જ્યારે તેઓ લાકડાની લારી પર શેરડીના રસનુ વેચાણ કરતા હતા. પરંતુ હવે સમય સાથે તેમણે ટેકનોલોજીને અપનાવી છે. 


નવ વર્ષ પહેલા તેઓ લાકડાના હેન્ડલથી મશીન ફેરવી શેરડીનો રસ કાઢતા હતા. ત્યારબાદ તેમણે ઠેલા સાથે સાયકલ જોડી હતી. પરંતુ સાયકલથી ઠેલો ખેંચવાના કારણે તેમને છાતીમાં દુખાવો થતો હતો અને થાકી જવાતું હતું. તેથી તેમણે દેશી જુગાડ શોધી કાઢ્યો. 



શારીરિક તકલીફ ઓછી કરવા અશોકભાઈએ યૂટ્યૂબ પર ઠેલા સાથે મોટર સાયકલ જોડી શકાય તે અંગે વીડિઓ જોયો. તે તેમને પોતાની જૂની મોટર સાયકલને ઠેલા સાથે જોડવાનો આઈડિયા આવ્યો. અંકલેશ્વરના એક મિકેનિક પાસેથી શેરડીના રસના ઠેલા સાથે મોટર સાઈકલ જોડાવી અને તેમાં તેને સફળતા મળી. 


હવે અશોકભાઈ અને તેમના પત્ની સાથે મળીને દર વર્ષે આણંદમાં શેરડીનો રસ વેચે છે. મોટર સાયકલ સાથે શેરડીના રસનો ઠેલો જોડીને આણંદ શહેરમાં તેમજ જો ક્યાંક મેળો લાગ્યો હોય તો ત્યાં સરળતાથી જઈ શકે છે. અને શેરડીના રસનું વેચાણ કરી કમાણી કરી શકે છે.


ગરમીની સીઝનના ચાર માસ તેઓ આણંદમાં રસનું વેચાણ કરે છે અને બાકીના સમયમાં વતનમાં ખેતી કામ કરે છે. જેથી ઠેલા સાથે જોડેલી મોટર સાયકલને છૂટી કરી બાકીના સમયમાં મોટરસાયકલ ફેરવવાના કામમાં લઈ શકાય છે.