Corona ટેસ્ટિંગ માટે લાગી લાઈનો, અમદાવાદ માટે AMC એ લીધો વધુ એક મોટો નિર્ણય
કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ગંભીર બનતી જાય છે. એવામાં સુરત બાદ હવે અમદાવાદમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જેને કારણે અમદાવાદ મનપાએ વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. સુરત બાદ હવે કોરોનાને કારણે અમદાવાદમાં અફરાતફરી મચી છે. કોરોનાના કેસ વધતા હવે લોકો ઠેર-ઠેર ટેસ્ટિંગ માટે લાઈનો લગાવી રહ્યાં છે. તંત્ર દ્વારા ઉભા કરાયેલાં ટેસ્ટિંગ ડોમમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સાથે જ અમદાવાદ મનપાએ કોરોનાના સંક્રમણને અટકાવવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત દરેક ખાનગી એકમોમાં 50 ટકા સ્ટાફ ને જ કામની મંજૂરી આપવામાં આવી છે. જોકે, ઔધોગિક એકમોને આ નિર્ણય માંથી મુક્તિ આપવામાં આવી છે.
કોરોનાનો કહેર વધતા અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો માં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ના ચંદલોડિયા વિસ્તારમાં અનેક સોસાયટી ઓ માઇક્રો કન્ટેનમેન્ટ માં મુકાઈ છે જેમાં માધવ રેસીડન્સીમાં આવેલા 64 મકાનોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકવામાં આવ્યા છે. અહીંની સોસાયટીમાં કુલ 250 મકાનો આવેલા છે. હાલ amc દ્વારા જે પરિવારો કોરોના પોઝિટિવ આવ્યા છે તેમના ઘરની બહાર માઇક્રો કન્ટેનમેન્ટના બોર્ડ મારી દીધાં છે. તેમજ અહીંથી પસાર થતા લોકોની અવર જવર પર રોક લગાવી દીધી છે.
દિવસે દિવસે કોરોનાને લઈને અમદાવાદમાં પણ પરિસ્થિતિ ખુબ જ ગંભીર બનતી જાય છે. લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ શહેરમાં દરેક વિસ્તારમાં એમ્યુલન્સ દોડતી જોવા મળી રહી છે. તે પૈકી 95 કોલ કોરોનાના સંક્રમિત દર્દીઓના જ આવી રહ્યાં છે. અમદાવાદમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. મોટોભાગે વધુ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને જ એડમિટ કરવામાં આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરમાં કોરન્ટાઈન થઈને સારવાર કરવાની સલાહ આપવામાં આવે છે. તંત્રના આરોગ્ય વિભાગની બીજી ટીમ પણ તેનું સતત ફોલોઅપ લેતી રહે છે.
અમદાવાદમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું
અમદાવાદ AMC એ શરુ કરેલા ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. કોરોનાના લક્ષણો ધરાવતા લોકો હવે સામે ચાલીને તંત્ર દ્વારા ઉભા કરાયેલાં ડોમ પર જઈને ટેસ્ટ કરાવી રહ્યાં છે. રેપીડ ટેસ્ટ બાદ પણ જો લક્ષણો જાણ તો તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ રિફર કરવામાં આવે છે. તંત્ર દ્વારા અમદાવાદમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું. જ્યારે સુરતી વાત કરીએ તો ત્યાં કોરોનાના દર્દીઓ હવે સીધા સીટી સ્કેન કરાવતા થયા છે.
અમદાવાદમાં આટલાં વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં ફેરવાયા
અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. નવા માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં નવા 35 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ કરાયા છે. અગાઉના 20 વિસ્તારો દૂર કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના માઇક્રો
કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 430 ને પાર થઈ ગઈ છે. હજુ પણ આ સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube