• શું સીલ કરેલા બિલ્ડિંગની દુકાનો લેખિત પરવાનગી વગર ખોલી શકાય?

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    શું શક્ય છે ખરી કે, માત્ર બે હજાર રૂપિયામાં સીલ થયેલી દુકાન ખુલી શકે?

  • શું ધારાસભ્યની રજુઆત બાદ સીલ થયેલી દુકાન ખોલવાની પરવાનગી મળી શકે ખરી?


અતુલ તિવારી/અમદાવાદઃ અમદાવાદમાં બીયુ પરવાનગી ના ધરાવતી બિલ્ડિંગોને સીલ કરવાનું અભિયાન AMC દ્વારા કેટલાક મહિનાઓ પહેલા શરૂ કરાયું હતું. બીયુ ના હોય એવી બિલ્ડીંગમાં ચાલતી દુકાનો સીલ કરાઈ હતી. પરંતુ આ દુકાનના માલિકોએ બીયુ પરવાનગી ના હોવા છતાં તેમની સીલ કરાયેલી દુકાનો જાતે જ ખોલી દીધી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકપણ કર્મચારી કે અધિકારીએ સીલ ખોલી લેવા મામલે આ દુકાનદારો સામે કોઇ જ કાર્યવાહી ના કરતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જો કે હવે આ મામલે ઝી 24 કલાક પાસે મોટો ઘટસ્ફોટ હાથ લાગ્યો છે, આજે અમે આપને જણાવીશું, બીયુ ના હોય એવી સીલ થયેલી દુકાનના માલિકોની જુબાની કે કેવી રીતે તેમની દુકાનોના સીલ બીયુ પરવાનગી ના હોવા છતાં પણ ખુલી ગયા. 


હાઇકોર્ટની ટકોર બાદ બીયુ ના ધરાવતી બિલ્ડીંગમાં આવેલી દુકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી હતી. જો કે કોરોનાકાળમાં ધંધા - રોજગારથી દૂર થઈ ગયેલા વેપારીઓની અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ ના આવતા વેપારીઓએ દુકાનોના સીલ ખોલી ધંધા-રોજગાર જાતે જ શરૂ કરી દીધા હતા. તેમજ AMC ના અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી ના કરાતા, મૌન ધારણ કરી લેવાયું હતું. જો કે આ દુકાનોના સીલ કેવી રીતે ખુલ્યા એ જાણો દુકાનદારની જુબાની.. 


અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી બિલ્ડીંગ કે જેને AMC એ બીયુ પરવાનગી ના હોવાને કારણે સીલ કરી હતી, એ બિલ્ડિંગમાં દુકાન ધરાવતા દુકાનમાલિકે દુકાન ખોલવા અંગે ઝી 24 કલાકને કહ્યું કે અમે અમારા ધારાસભ્ય સાથે AMC ની સ્થાનિક એસ્ટેટ વિભાગની કચેરીને રજૂઆત કરી હતી, નવા ડેપ્યુટી કમિશનર આવેક છે એમના તરફથી બીયુ ના હોય અને સીલ કરાયેલી દુકાન ખોલવા માટે અમને મૌખિક પરવાનગી અપાઈ હતી. રાણીપમાં આવેલી બીયુ વિનાની બિલ્ડિંગમાં 60 જેટલી દુકાનો છે, જેમાં એક શાળા પણ આવેલી હતી. આ સિવાય દુકાનદારે કહ્યું કે અમારી પાસે એક વકીલ પણ આવ્યા હતા, જેઓ દુકાનદીઠ 2 હજાર રૂપિયા ઉઘરાવવાની પણ શરૂઆત કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. 


દુકાનદારે વધુ માહિતી આપતા કહ્યું કે અમે ધારાસભ્ય સાથે એસ્ટેટ વિભાગમાં મળી આવ્યા હતા, ડેપ્યુટી કમિશનર નવા આવ્યા હતા એમને પણ અમે મળ્યા હતા. દુકાન ખોલી લેવા એમણે લેખિત નહીં, પણ મૌખિકમાં મંજૂરી આપી હતી, ઓફિસમાં પહેલા માળે એ સાહેબ બેસે છે, એમની વાત પછી જ અમે દુકાનો ખોલી હતી. એક વ્યક્તિ અમારી પાસે દુકાનદીઠ 2 હજાર રૂપિયા પણ માગતો હતો અને સીલ ખોલવા અંગે અમને નિશ્ચિન્ત થઈ જવાનું કહેતો હતો. જો કે અમે એને રૂપિયા નહતા આપ્યા, પણ વાડજવાળાએ આપ્યા હતા, બસ સ્ટેન્ડની બાજુમાં શોપિંગ છે, એ લોકોએ રૂપિયા એ વ્યક્તિને આપ્યા હોવાનું પોતાની દુકાનનું સીલ ખોલનાર દુકાનદારે જણાવ્યું. 


બે હજાર રૂપિયા માગતો હતો એ પોતે વકીલ હોવાનું કહેતો હતો. એ ભાઈ કમિશન ખાવા આવ્યો હતો, પણ અમે તો રૂપિયા આપવાની ના પાડી, આપણે તો ધારાસભ્યને લઈને મળી આવ્યા હતા. રૂપિયા માગવા આવ્યો એ અહીં નજીકમાં ઘનશ્યામ ઇલેક્ટ્રિક છે એના થ્રુ એક વકીલ હતા, જે આવ્યા હતાનું દુકાનદારે જણાવ્યું હતું. અહીં અમારામાં પણ ઘનશ્યામ ઇલેક્ટ્રિકવાળો પડ્યો હતો, પણ અમે ના પાડી, પેલો વકીલ સાચું બોલી ગયો, કે આ બે હજારમાં 500 મારા અને 1500 પેલા દુકાનવાળાના છે. જો કે પૈસા આપતા પણ અમને કોઈ લેખિતમાં બાંહેધરી મળવાની નહતી. 


વાડજમાં એક્ઝેટ વાડજ બસસ્ટેન્ડને અડીને, એક રોડ પડે છે નાનો, એને અડીને પહેલું જ, ચાની કિટલીવાળું બિલ્ડીંગ પણ સીલ કરાયું હતું, એ સૌ એ સીલ ખોલવા બે - બે હજાર રૂપિયા આપ્યા હોવાનું દુકાનદારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ઘટસ્ફોટ કર્યો હતો. આ સિવાય દુકાનદારે જણાવ્યું કે એ વાડજમાં આવેલા બિલ્ડીંગમાં તો બે દિવસ પહેલા પોલીસ આવી હતી, એવી કઈક વાત હતી, એમનું તો બિલ્ડીંગ એકવાર તોડી પણ નાખવામાં આવ્યું હતું, પછી પાછું સીલ પણ કરાયું હતું. જો કે અમે તો એસ્ટેટ વિભાગમાં ગયા હતા, નવા ડેપ્યુટી કમિશનર આવ્યા છે હમણાં, એમને અમે અને ધારાસભ્ય સાથે જ મળવા ગયા હતા, અમે લેખિત રજુઆત કરી, એમણે ઉપર રજુઆત કરી હતી અને અમને સીલ ખોલી દુકાન ખોલવા મૌખિક સંમતિ આપી હતી. 


સમગ્ર વાતચીત બાદ રાણીપમાં આવેલી દુકાનદારે વાડજમાં સીલ થયેલા જે શોપિંગ વિશે વાત કહી અને જેમણે સીલ ખોલવા બે હજાર રૂપિયા આપ્યા અને આ દુકાનદારોને પણ બે હજાર રૂપિયા આપવાનું કહેવા માટે આવ્યા હતા, એ શોપિંગની દુકાનદારો સાથે પણ અમે વાતચીત કરી. આવો જોઈએ એમણે શુ કહ્યું.. 


વાડજમાં આવેલી બિલ્ડિંગના એક દુકાનદારે કહ્યું કે વકીલ પાસેથી કાગળિયા કરાવીને ખોલ્યું, જો કે વકીલે કેટલા રૂપિયા લીધા એ અંગેના જવાબમાં એણે એ અંગે જાણ ના હોવાનું કહી કહ્યું કે, વકીલ પાસે નોટરી કરાવીને લખાણ કરાવીને દુકાન ખોલી છે અને સામે પોલીસ ચોકીએ વાત કરાવી દીધી છે. સાથે જ આ દુકાનદાર અમને બાજુની દુકાનમાં લઈ ગયો જ્યાં અન્ય દુકાનદારે કહ્યું કે બોન્ડ ભર્યો હતો, એ રિજેક્ટ થયો, પછી અમે અમારી જવાબદારી પર બેઠા છીએ. દુકાનદારે કહ્યું કે જુઓ બીજું બધું બંધ થઈ જાઓ, તમારામાં તાકાત હોય તો દુકાન ખોલીને બેસજો, નહીં તો ઘેર રહેજો. આમાં બીજું કશું છે જ નહીં અને કશું થશે જ નહીં. આ બે લીટીમાં કહી દવ. તમારી તાકાત હોય તો ખોલીને બેસી જવાનું નહીં તો જય શ્રી કૃષ્ણા.. 


આ દુકાનદાર તો ઉત્સાહમાં આવી ગયો અને બોલવા લાગ્યો કે મારે કોઈ ચર્ચા સાંભળવી નથી, આવા 50 જણ રોજ આવે છે, અમે અમારી તાકાત પર બેઠા છે. તમારી દુકાન છે, તમારું ઘરનું પૂરું કરવા કોઈ નહીં આવે. કોઈ ચર્ચા નહીં કરવાની પોતાની દુકાન ખોલીને બેસી જવાનું. ત્યારબાદ એ જ દુકાનની બાજુની દુકાનમાં જાણવા મળ્યું કે રાણીપમાં સીલ થયેલા બિલ્ડિંગના સ્થાનિકો આ ભાઈ પાસે આવીને ગયા હતા. દુકાનદારે કહ્યું કે રાણીપના બે કોમ્પ્લેક્ષવાળા અમારી સાથે જોડાયા હતાં, એમને આખી વિગત વિશે ખ્યાલ હોવાનું કહેવામાં આવ્યું. છતાંય જ્યારે અમે દુકાનદારને પૂછ્યું કે અચ્છા એવી કોઈ પ્રોસેસ છે કે બે - બે હજાર રૂપિયામાં સીલ ખુલી શકે ખરું? જવાબમાં દુકાનદારે કહ્યું કે એ બધી વાત જવા દો, તમારી જે પ્રોબ્લેમ છે ને એ માણસને કોમ્પ્લેક્ષની વિધિ લઈને મોકલો, પછી આપણે વાત કરીએ. રાણીપવાળા આપણી સાથે જોડાયેલા છે. એમને મોકલો એમનું કામ કરી આપીશું.

તો આ દુકાનદારોએ કહેલી વાત AMC સામે અનેક સવાલો પેદા કરે છે, જેવા કે..
- શું સીલ કરેલા બિલ્ડિંગની દુકાનો લેખિત પરવાનગી વગર ખોલી શકાય?
- શું બે - બે હજાર રૂપિયા ભેગા કરીને કોઈ પ્રક્રિયા છે જેને પૂર્ણ કરતા સીલ થયેલી દુકાન ખોલવાની પરવાનગી મળે છે?
- શું ધારાસભ્યની રજુઆત બાદ સીલ થયેલી દુકાન ખોલવાની પરવાનગી મળી શકે ખરી?
- શું AMC ના કોઈ અધિકારી દુકાન ખોલવાની મૌખિક પરવાનગી આપી શકે ખરા? આ કેટલું યોગ્ય?
- બીયુ પરવાનગી ના હોય અને દુકાન સીલ થાય તો શું કોઈ વિધિ છે જેનાથી સીલ કાયદેસર રીતે ખોલી શકાય ?
- શું શક્ય છે ખરી કે, માત્ર બે હજાર રૂપિયામાં સીલ થયેલી દુકાન ખુલી શકે?