અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ગેરકાયદે દબાણો પર દેશભરમાં એક્શન લેવાઈ રહ્યા છે. બુલડોઝર કાર્યવાહી સૌથી મોટી ચર્ચાનું કેન્દ્ર રહે છે. ગેરકાયદે થયેલા દબાણો તુટવા જ જોઈએ તેમાં કંઈ ખોટું નથી...પરંતુ અમે આપને એક એવા દબાણની વાત કરીશું જેમાં કાયદાના રક્ષક જ જાણે ભક્ષક બન્યા છે. જે પોલીસના કાફલા સાથે બુલડોઝર ફેરવી દેવામાં આવે છે તે પોલીસ જ જમીન પચાવી પાડે તો?, અમદાવાદમાં કંઈક આવું જ થયું છે...અમદાવાદ કોર્પોરેશનની જમીન પર પોલીસે દબાણ કર્યું છે...ત્યારે શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદાના રક્ષકોએ જ કરોડોની જમીન પચાવી! 
AMCની જમીન અમદાવાદ પોલીસે દબાવી!
AMCની જમીન પર બની ગયા પોલીસ સ્ટેશન! 
અમદાવાદ પોલીસ પર લાગ્યા ગંભીર આક્ષેપ


જે કાયદાના રક્ષકો છે, જે પ્રજાને અપરાધીઓની ચુંગાલમાંથી છોડાવાનું કામ કરે છે, જેણે ખોટું કર્યું તેને પકડીને સજા અપાવવાનું કામ કરે છે તે જ પોલીસ જો ખોટું કરે તો?, હાં પોલીસ જ ખોટી રીતે કોઈ જમીન પર દબાણ કરી લે તો શું કાર્યવાહી થવી જોઈએ?, જે અમદાવાદ પોલીસ શહેરમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરાવવામાં અમદાવાદ કોર્પોરેશનની મદદ કરે છે, તે કોર્પોરેશનની કરોડોની જમીન પર પોલીસે કબજો જમાવી લીધો છે...AMCની માલિકીના અનેક પ્લોટ પર પોલીસે બથાવી લીધા હોવાનો ગંભીર આરોપ પોલીસ પર લાગતા ખળભળાટ મચી ગયો છે...પરંતુ સૌથી મોટી વાત એ છે કે AMCના શાસકો આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે. 


હવે તમે એ પણ જાણી લો કે અમદાવાદ પોલીસે કઈ કઈ જમીન પર કબજો જમાવી લીધો છે...તો વેજલપુર પોલીસ સ્ટેશન છે તે 3500 વાર જમીન, વાસણા પોલીસ સ્ટેશનની 2500 વાર જમીન, લો ગાર્ડન પોલીસ ચોકી અને નિકોલ પોલીસ સ્ટેશનની 5 હજાર વાર જમીનનો સમાવેશ થાય છે...અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે ભાજપના શાસકો પર આકરા પ્રહાર કર્યા છે. 


આ પણ વાંચોઃ અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો!, દરિયા કાંઠે પવન ફુકાશે, આવી છે અંબાલાલ પટેલની આગાહી


પોલીસ પર જમીન પચાવવાનો આક્ષેપ
વેજલપુર પોલીસ સ્ટેશન છે તે 3500 વાર જમીન
વાસણા પોલીસ સ્ટેશનની 2500 વાર જમીન
લો ગાર્ડન પોલીસ ચોકી
નિકોલ પોલીસ સ્ટેશનની 5 હજાર વાર જમીન


પોલીસે બથાવેલી આ તમામ જગ્યાને હવે આપણે વિગતો પણ સમજી લઈએ...તો વેજલપુર પોલીસ સ્ટેશનની 3500 વાર જમીન પોલીસને વપરાશ માટે હંગામી ધોરણે અપાઈ હતી, પરંતુ હાલ ત્યાં પોલીસ સ્ટેશન બાંધી દેવાયું છે....તો વાસણા પોલીસ સ્ટેશનની 2500 વાર જમીન વર્ષો પહેલા પોલીસના ઘોડા બાંધવા માટે અપાઈ હતી...પરંતુ ધીમે ધીમે ત્યાં કાચુ બાંધકામ પછી પોલીસ ચોકી બનાવી દેવાઈ અને હાલ તો પોલીસ સ્ટેશનનું નિર્માણ કરી દેવાયું છે...લૉ ગાર્ડન પોલીસ ચોકી પણ ગેરકાયદે ઉભી થયેલી છે. ફૂટપાથ પર કોઈ બાંધકામ થઈ શકતું નથી. પણ પોલીસને કોણ કહે?, અહીં ફૂટપાથ પર આખી પોલીસ ચોકી ઉભી કરી દેવાઈ છે. તો સૌથી વિવાદીત સ્થળ નિકોલ પોલીસ સ્ટેશન છે. AMCના 5 હજાર વારનો આ પ્લોટ હંગામી ધોરણે અપાયા બાદ પહેલા પોલીસ ચોકી બનાવવામાં આવી, પછી કાયમી પોલીસ સ્ટેશન બનાવીને રીતસરનો કબજો જમાવી લેવાયો છે...આ જગ્યા પર AMCએ ગરીબો માટે 1180 આવાસ બનાવવાનો વર્ક ઓર્ડર પણ 2022માં આપી દીધો હતો...પણ હજુ સુધી કબજો છોડ્યો નથી. જેના કારણે AMCએ 2024માં નિકોલના બદલે નરોડામાં આવાસો બનાવવાનો નિર્ણય લેવો પડ્યો...આ મુદ્દે જ્યારે અમે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધ્યો...તો તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી દીધો....


પોલીસ સામે AMC લાચાર?
AMCએ 1180 આવાસનો વર્ક ઓર્ડર 2022માં આપ્યો હતો
નિકોલ પોલીસે હજુ સુધી કબજો છોડ્યો નથી
AMCએ 2024માં નિકોલના બદલે નરોડામાં આવાસો બનાવવાનો નિર્ણય કર્યો 


સરકારના બે વિભાગો વચ્ચેની આ લડાઈમાં પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. જે પ્રજાના પરસેવાની કમાણીની આ જમીનો છે તેના પોલીસ જ ગેરકાયદે કબજો જમાવી લે તો પછી ફરિયાદ કોને કરવાની?, સવાલ કોર્પોરેશનના નઘરોળ શાસકો સામે પણ થઈ રહ્યો છે કે આટલા સમયથી આ રહસ્યને દબાવી કેમ રાખવામાં આવ્યું?, કેમ કોર્પોરેશનના શાસકો કોર્ટના દ્વાર નથી ખખડાવતાં?, કેમ આ મુદ્દે રાજ્ય સરકારમાં ઉગ્ર રજૂઆત નથી કરવામાં આવી?, જો કોઈ વ્યક્તિ આ પ્રકારે દબાણ કર્યું હોય કે પછી જમીન પચાવી હોય તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી થાય છે...તો પછી અમદાવાદ પોલીસ સામે ક્યારે લેન્ડ ગ્રેબિંગની કલમો ઉમેરવામાં આવે છે તે જોવું રહ્યું...


સળગતા સવાલો 
પોલીસ ગેરકાયદે કબજો જમાવી લે તો પછી ફરિયાદ કોને કરવાની?
AMCના નઘરોળ શાસકોએ આ રહસ્યને દબાવી કેમ રાખ્યું?
કેમ કોર્પોરેશનના શાસકો કોર્ટના દ્વાર નથી ખખડાવતાં?
કેમ આ મુદ્દે રાજ્ય સરકારમાં ઉગ્ર રજૂઆત નથી કરવામાં આવી?