અમદાવાદઃ  રવિવારે સાંજે અમદાવાદમાં અચાનક વરસાદ તૂટી પડ્યો. શહેરમાં પાણી ફરી વળ્યા. નુકસાન પણ થયું. જો કે આ  વરસાદે મહાનગર પાલિકની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી. રસ્તા પર ઠેર ઠેર ભૂવા પડી ગયા, પાણી ભરાયા, તૂટેલા રસ્તાએ લોકોની હાલાકી વધારી દીધી. લોકો વરસાદથી જેટલા હેરાન થયા, તેટલી જ હેરાનગતિ તંત્રની નબળી કામગીરીને કારણે પણ થઈ. જે દ્રશ્યો સામે આવ્યા, તેને જોઈને સત્તાધીશો કોઈ દાવો કરી શકે તેમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો, એમાં તો રસ્તા પર ભૂવા પડી ગયા. ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતા લોકો માટે જોખમ વધી ગયું...ઠેર ઠેર વૃક્ષો ઉખડી, વૃક્ષોની ડાળીઓ તૂટીને રસ્તા પર પડી ગઈ...તૂટેલા રસ્તાએ બાકીની કસર પૂરી કરી દીધી.


સામાન્ય રીતે મહાનગર પાલિકા ચોમાસું બેસે તે પહેલા પ્રિ મોન્સૂન કામગીરી કરતું હોય છે, જો કે ચોમાસા પહેલાના આ વરસાદે દેખાડી દીધું કે તંત્રએ કેવી કામગીરી કરી છે. હવે આ જ પરિસ્થિતિ વચ્ચે લોકોએ ચોમાસું કાઢવાનું છે. વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ રસ્તા બેસી ગયા છે. ક્યાંક ભૂવા પડ્યા છે, તો ક્યાંક પોચા રસ્તામાં ભારે વાહનો ખૂપી ગયા. 


આ પણ વાંચોઃ માતા સાથે કામ કરનારે પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં આચર્યું દુષ્કર્મ


રસ્તા પર ભૂવા પડવાનો સિલસિલો હવે કાયમી બની ગયો છે. મોસમી કે કમોસમી વરસાદ સાથે ભૂવાને કોઈ લેવાદેવા નથી. નારણપુરાના વાળીનાથ ચોકમાં BRTS ટ્રેક પર જ રસ્તા પર ટાંકા જેવો ભૂવો પડી ગયો...6 ફૂટ પહોળા અને 10 ફૂટ ઉંડા ભૂવોએ પહેલાથી જ સાંકળા રોડને વધુ સાંકડો કરી દીધો. ડ્રેનેજની લાઈનો પાથર્યા બાદ કયા પ્રકારનું પુરાણ કરવામાં આવ્યું હશે, તેનો દાખલો છે આ દ્રશ્યો...સમતળ જગ્યા જોઈને તેના પર ડામર તો પાથરી દેવાયો, પણ આધાર વિના ડામર કેવી રીતે ટકી શકે..


પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી કર્યા બાદ કેવું પુરાણ કરવામાં આવ્યું હશે, કે તેમાં ડમ્પરનું ટાયર ઉતરી ગયું. આ દ્રશ્યો બોપલ- ઘુમા વિસ્તારના છે. જે સમયે પ્રિ મોન્સૂન કામગીરી પૂરી કરવાની હતી, તે સમયે શહેરના ઘણા રોડ હજુ ખખડધજ હાલતમાં છે. આ રોડ સામાન્ય સમયમાં તો વાહનચાલકને નડે જ છે, પણ અહીં જ્યારે વરસાદનું પાણી ભરાય ત્યારે તો વાહનચાલકોની હાલાકી ઓર વધી જાય છે. થલતેજથી બોપલ જવાના રસ્તા પર પણ આવા દ્રશ્યો સામે આવે છે.


ઠેર ઠેર કરેલા ખોદકામ વરસાદ વચ્ચે જીવલેણ સાબિત થઈ શકે છે, પણ મનપાના સત્તાધીશોને તેની કોઈ ચિંતા નથી. આ ખોદકામને કારણે આસપાસના રસ્તાની હાલત પણ બગડી જાય છે, જેની કિંમત લોકોએ ચૂકવવી પડે છે. ચીકણી માટીમાં ટુ વ્હીલર લપસી જાય તો તેના માટે જવાબદાર કોણ.


આ પણ વાંચોઃ IPL Final: અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પોલીસે કર્યો લાઠીચાર્જ


રસ્તાનું કામ ચાલતું હોય, અને અચાનક ત્યાં વરસાદના પાણી ભરાય ત્યારે કેવી મુશ્કેલી પડે, તેનું ઉદાહરણ છે આ દ્રશ્યો, નીચાણવાળા ભાગોમાં ભરાયેલા પાણીમાં તમારું વાહન કોઈ પણ જગ્યાએ અટવાઈ શકે છે. આ સમયે જ્યાં રોડના કામ પૂરા થઈ જવા જોઈએ, ત્યાં હજુ તો કામ ચાલી રહ્યા છે.


સાંભળ્યું તમે...સ્થાનિકોની ગમે તે ફરિયાદ હોય, પણ તંત્રના ચોપડે તો આ જગ્યા નવા રસ્તા તરીકે નોંધાઈ ગઈ હશે. આવી એક નહીં અનેક જગ્યાઓ છે. પ્રિ મોન્સૂન કામગીરીના ભાગ રૂપે જોખમી બનેલા વૃક્ષોને દૂર કરવાના હોય છે તેમજ વૃક્ષોને ટ્રીમ પણ કરવા પડે છે, જો કે આ કામગીરી પણ કેવી થઈ છે, તે તમે જ જોઈ લો...શહેરમાં 75 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં તો એક વૃક્ષ દિવાલ સાથે ધરાશાયી થયું. સદનસીબે જાનહાનિ ટળી ગઈ.


જો મનપાના સત્તાધીશો બેદરકાર રહી શકતા હોય, તો મનપાએ નિમેલા કોન્ટ્રાક્ટર કેમ બાકી રહી જાય. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં જે ઓવરબ્રિજને તોડવાની નોબત આવી છે, તે બ્રિજને બનાવનાર કંપની અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શાસ્ત્રી નગર ચાર રસ્તા પાસે ઓવરબ્રિજનું બાંધકામ કરતી આ કંપનીએ બ્રિજના પાઇલિંગ કરેલા ખોદકામમાં પુરાણ કર્યું હતુ ત્યાં ફરી ખાડા પડી ગયા. શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરતા સત્તાધીશો માટે આ દ્રશ્યો શરમજનક છે.


સત્તાધીશો પાસે એ જવાબ નથી કે પ્રિ મોન્સૂન કામગીરી કેમ નિષ્ફળ રહી છે. આ કામગીરી હેઠળ ક્યાં અને શું કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ કરવામાં જ તંત્રને રસ છે. સવાલ એ છે કે શહેરીજનોને કેમ હાલાકી ભોગવવા છોડી દેવાય છે. તંત્ર કેમ એવી કામગીરી નથી કરતું જેનાથી લોકોની હાલાકીને ઘટાડી શકાય. જે દિવસે આવા દ્રશ્યો સામે નહીં આવે, ત્યારે તંત્ર સ્માર્ટસિટીની વાતો કરવા લાયક બનશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube