અમિત ચાવડાએ બેભાન મહિલા કાર્યકર્તાને પોતાની કારમાં હોસ્પિટલ મોકલી આપ્યા
પોલીસને વારંવાર વિનંતી કરવા છતાં પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી ન આપી, ધરપકડ કરાય બાદ પણ 45 મિનિટ સુધી મહિલા કાર્યકર્તા સડક પર બેભાન હાલતમાં પડ્યા હતા, તંત્રની નિષ્ઠુર વ્યવસ્થા સામે ફિટકાર વરસાવાયો
ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજે ભીષણ ગરમીને કારણે વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલા કાર્યકર્તા બેભાન થઈ ગયા હતા. પોલીસ કાર્યકર્તાઓને ધરપકડ કરીને લઈ ગઈ હતી, પરંતુ બેભાન કાર્યકર્તા તરફ ધ્યાન સુદ્ધાં આપ્યું ન હતું.
કોંગ્રેસના આ મહિલા કાર્યકર્તાને અન્ય એક મહિલા કાર્યકર્તા પોતાના ખોળામાં રાખીને જગાડવાનો પ્રયાસ કરતા હતા. ધરપકડ કરાયાના 45 મિનિટ સુધી આ કાર્યકર્તા બેભાન હતાં. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પોલીસને વારંવાર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેમ છતાં કોઈએ તેમની વાત સાંભળી ન હતી.
બેભાન મહિલા કાર્યકર્તાની તબિયત વધુ ખરાબ થતી હોવાનું જણાતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ તાત્કાલિક પોતાની કારમાં તેમને હોસ્પિટલ મોકલી આપવા જણાવ્યું હતું. અમિત ચાવડાએ જાતે જ બેભાન કાર્યકર્તાને ઊંચકીને પોતાની કારમાં સુવાડ્યાં હતા અને ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચવા માટે સુચના આપી હતી.
[[{"fid":"182968","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
શહેરમાં આટલો મોટો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો અને સરકાર દ્વારા સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિરોધ કરનારા કોંગ્રેસીઓને પકડી રાખવા માટે પણ પોલીસે બસોની વ્યવસ્થા કરી રાખી હતી ત્યારે એક બેભાન કાર્યકર્તા માટે પોલીસ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન કરી આપવામાં આવી તે અંગે લોકોમાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો હતો. તંત્રની નિષ્ઠુરતા સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.