ભાજપની મિશન 2022ની તૈયારી? અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ
જુલાઈ મહિનામાં જ અમિત શાહની ગુજરાતની આ બીજી મુલાકાત હશે. અમિત શાહ અગાઉ એક અને બે જુલાઈના રોજ રાજ્યની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રીએ રથયાત્રામાં હાજરી આપી હતી અને બાદમાં વિવિધ સ્થળોએ વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 નજીક આવી રહી છે, તેમ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પ્રવાસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આગામી 23 અને 24 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. અમિત શાહ 23મીએ સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ 11 વાગ્યાથી તેમના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
જાણો શાહના બે દિવસીય કાર્યક્રમ
અમિત શાહ 23મીએ એનએફએસયુમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપશે અને 24 જુલાઈએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કો-ઓર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના આશરે રૂ. 150થી 200 કરોડના વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આગામી 24 જુલાઈ એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં ઔડા અને amc ના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરશે. બોપલ વિસ્તારમાં પીવાના પાણીની 3 ટાંકીઓનું લોકાપર્ણ કરશે. 5000 ઘરમાં પીવાના પાણીની સુવિધા મળશે. આ સિવાય એસપી રિંગરોડ પર મોટા પાયે થનારા વૃક્ષારોપણની શરૂઆત કરાવશે.
એક જ મહિનામાં બીજી મુલાકાત
ઉલ્લેખનીય છે કે, જુલાઈ મહિનામાં જ અમિત શાહની ગુજરાતની આ બીજી મુલાકાત હશે. અમિત શાહ અગાઉ એક અને બે જુલાઈના રોજ રાજ્યની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રીએ રથયાત્રામાં હાજરી આપી હતી અને બાદમાં વિવિધ સ્થળોએ વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.
બીજા દિવસે, અમિત શાહે અમદાવાદને 33 કરોડના રેલ્વેના કામોની ભેટ આપી હતી અને મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને હેબતપુર, થલતેજમાં એક લાખ વૃક્ષો વાવવાની ઝુંબેશ શરૂ કરાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube