એકને ખોળ બીજાનો ગોળ : ભાજપનો ઉમેદવાર વ્હાલો પણ કોંગ્રેસના પાટીદાર નેતાને સમાજ આપતો નથી સાથ, ફંક્શનોથી રાખે છે દૂર
અમદાવાદમાં અડાલજ ખાતે આજે કોંગ્રેસ પાર્ટીના પાટીદાર આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાટીદાર સમાજના લોકોના મત મેળવવા, પાટીદારોનો વિશ્વાસ જીતવા સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ પોતાનો વસવસો ઠાલવ્યો હતો.
ગૌરવ પટેલ, અમદાવાદઃ દેશમાં હવે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ માટે રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારી કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ચૂંટણીને લઈને હલચલ જોવા મળી રહી છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 26 સીટો કબજે કરી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી ખાતું પણ ખોલાવી શકી નથી. આ વચ્ચે અમદાવાદમાં અડાલજ ખાતે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, આગેવાનો અને આંદલનકારીઓ જોડાયા હતા. આ બેઠકમાં કોંગ્રેસને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બાબતે દુખી જોવા મળ્યા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો
ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે. ત્યારે વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોને ટિકિટ પણ આપતી હોય છે. પરંતુ જ્યારે પાટીદાર સમાજમાં કોઈ ધાર્મિક, સામાજિક કે અન્ય કોઈ કાર્યક્રમ હોય ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પાટીદાર સમાજના નેતાઓ જોવા મળતા હોય છે. જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની હાજરી જોવા મળતી નથી. આ મુદ્દે બેઠકમાં ધારાસભ્યોએ પોતાનો વસવસો ઠાલવ્યો હતો.
આ પણ વાંચોઃ સવારે ઠંડી, બપોરે ગરમી..... આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો અપડેટ
પાટીદાર સમાજમાં ભાજપનું પ્રભુત્વ!
આજે અડાલજ ખાતે કોંગ્રેસના પાટીદાર અગ્રણીઓની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અનેક પાટીદાર નેતાઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ પટેલોને ટિકિટ આપે છે પરંતુ સમાજ સાથે રહેતો નથી. કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને પાટીદાર સમાજના કાર્યક્રમોમાં સ્થાન આપવામાં આવતું નથી. બેઠકમાં કહેવામાં આવ્યું કે આજે પાટીદારોની તમામ સંસ્થાઓમાં ભાજપનું પ્રભુત્વ છે.
અહેમદ પટેલે કર્યું સૌથી વધુ નુકસાન
આ બેઠકમાં તેવી પણ ચર્ચા કરવામાં આવી કે રાજ્યસભા માટે કોંગ્રેસ પાર્ટી ક્યારેય પાટીદારોની સામે જોતું નથી. બેઠકમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસમાં પાટીદારોને સૌથી વધુ નુકસાન અહેમદ પટેલે કર્યું છે. ચૂંટણી પહેલા યોજાયેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસના પાટીદારોમાં એક સૂત્રતા જળવાતી નથી. બેઠકમાં પાટીદાર સમાજમાં કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જય મા ખોડલ : મા ખોડિયાર અહીં છે હાજરા હજૂર, દર વર્ષે આપે છે શક્તિનો પરચો
પાટીદારોનો વિશ્વાસ જીતવા કોંગ્રેસની રણનીતિ
આ બેઠકમાં કહેવામાં આવ્યું કે ગુજરાતમાં પાટીદારોના સમર્થન વગર કોઈ સરકાર બનાવી શકે નહીં. તો કોંગ્રેસ પાર્ટીમાં પાટીદાર સમાજ જોડાય તે માટે એક સંકલન સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ઝોનમાંથી પાટીદાર સમાજના લોકોને આ સંકલન સમિતિમાં સામેલ કરવામાં આવશે. આ સમિતિ પાટીદારો અંગે વિવિધ રજૂઆતો કોંગ્રેસ પાર્ટીમાં કરશે.