હિટ એન્ડ રન: બોરસદમાં ટ્રેલરને રોકવા જતાં કોન્સ્ટેબલને કચડ્યો, પોલીસકર્મીનું મોત
દેશમાં પોલીસકર્મીઓને કચડી નાખવાની ત્રીજી ઘટના સામે આવી છે. તાજેતરમાં હરિયાણા, ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પોલીસકર્મી પર વાહન ચલાવી કચડી નાખવામાં આવ્યો છે. જે પ્રકારે હરિયાણામાં ડીસીપીને જે પ્રમાણે કચડી નાખવામાં આવ્યા હતા તે પ્રમાણેની ઘટના ગુજરાતના બોરસદમાંથી સામે આવી છે
બુરહાન પઠાણ, આણંદ: દેશમાં પોલીસકર્મીઓને કચડી નાખવાની ત્રીજી ઘટના સામે આવી છે. તાજેતરમાં હરિયાણા, ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પોલીસકર્મી પર વાહન ચલાવી કચડી નાખવામાં આવ્યો છે. જે પ્રકારે હરિયાણામાં ડીસીપીને જે પ્રમાણે કચડી નાખવામાં આવ્યા હતા તે પ્રમાણેની ઘટના ગુજરાતના બોરસદમાંથી સામે આવી છે. આ પ્રકારની ઘટના જોતાં લાગી રહ્યું છે કે ગુજરાતમાં ટ્રક ચાલકો બેખૌફ બની ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના બોરસદમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રેલરને રોકવા જતાં પોલીસકર્મી પર ટ્રેલર ફેરવી કચડી નાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું.
રાંચીમાં મહિલા પોલીસકર્મીની હત્યા
ઝારખંડના પાટનગર રાંચીમાં એક મહિલા પોલીસકર્મીની ગાડીથી કચડીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના રાંચીના તુપુદાના પોલીસ મથક હદના હુલહૂંડુની છે. જે સમયે આ ઘટના ઘટી ત્યારે મહિલા સબ ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનો વાહન ચેકિંગ કરી રહી હતી. અચાનક ત્યારે જ અપરાધીઓએ તેમને પિકઅપ વેનથી કચડી નાખ્યા. જેમાં તેમનું મોત નિપજ્યું હતું.
સંધ્યા ટોપનો 2018 બેચના અધિકારી હતા. આ ઘટના આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસની છે. એસઆઈની હત્યાની સૂચના મળ્યા બાદ પોલીસ મથક પ્રભારી સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘટનાને અંજામ આપ્યા બાદ અપરાધી વાહન લઈને ફરાર થઈ ગયા. જો કે આરોપી હાલ પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે. ઘટનાની જાણકારી આપતા રાંચીના એસએસપીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને વાહન પણ જપ્ત કરાયું છે.
મેવાતમાં DSP ને માફિયાએ ડમ્પરથી કચડી નાખ્યા
હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી છે. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ગેરકાયદેસર ખનન કાર્યવાહી દરમિયાન માફિયાઓએ ડમ્પર ડેપ્યુટી એસપી પર ચડાવી દીધુ હતું. આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી એસપી ઉપર ડમ્પર ચડાવી દીધુ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. નૂંહના તવાડુના ડેપ્યુટી એસપી પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા. એવું કહેવાય છે કે સુરેન્દ્ર સિંહે પથ્થર ભરેલા એક ડમ્પરને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે જ ડ્રાઈવરે ડમ્પર તેમના પર ચડાવી દીધુ. અત્રે જણાવવાનું કે ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ આ વર્ષે રિટાયર થવાના હતા. પચગાંવના પહાડી વિસ્તારમાં ડેપ્યુટી એસપીનો મૃતદેહ મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube