અમેરિકાના ગ્રીન કાર્ડની લાલચમાં મળ્યો કેદી નંબર, કબૂતરબાજીમાં આ રીતે ફસાયો આણંદનો એક યુવક
બોગસ પાસપોર્ટ પર અમેરિકાથી અમદાવાદ આવેલા આણંદના યુવકની પોલીસે કરી ધરપકડ કરી છે. UPના મુસ્લિમ યુવકના પાસપોર્ટના આધારે અમદાવાદ આવતા યુવક ઝડપાયો હતો. અમેરિકામાં 24 વર્ષ રહ્યાં બાદ ગ્રીનકાર્ડ મેળવવા યુવકે બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો.
ઉદય રંજન, અમદાવાદઃ આજના સમયમાં લોકોને વિદેશ જવાની ખુબ ઘેલછા હોય છે. અમેરિકા કે યુરોપના દેશોમાં પહોંચી ત્યાં સેટ થવાના વિચાર આવતા હોય છે. પરંતુ જો તમે કાયદેસર રીતે તમામ પ્રક્રિયા બાદ વિદેશ જાવ તો કોઈ સમસ્યા નથી. પરંતુ ગેરકાયદેસર રીતે વિદેશ જાવ અને એજન્સીના હાથમાં આવો તો મુશ્કેલી ઉભી થતી હોય છે. આવી એક ઘટના આણંદના યુવક સાથે બની છે. બોગસ પાસપોર્ટ સાથે અમેરિકાથી અમદાવાદ આવેલો આણંદનો યુવક ઝડપાઈ ગયો હતો.
મૂળ આણંદનો અલ્પેશ પટેલ નામનો યુવક અમેરિકાના ન્યૂજર્જીમાં રહેતો હતો. 14 સપ્ટેમ્બરે આ યુવક દુબઈથી અમદાવાદની ફ્લાઇટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો હતો. ત્યારે ઈમિગ્રેશન વિભાગે પોતાની સિસ્ટમમાં પાસપોર્ટ નંબર W0162516 નાખી તપાસ કરતા આ પાસપોર્ટ કોઈ અન્ય મુસ્લિમ યુવકનો હોવાનું સામે આવ્યું હતું. સામે આવેલી વિગત પ્રમાણે ઉત્તરપ્રદેશના રહેવાસી મોહમ્મદ સરૂર નામના યુવકનો પાસપોર્ટ ગુમ થઈ ગયો હતો. જ્યારે અલ્પેશ પટેલનો પાસપોર્ટ નકલી હતો.
આ પણ વાંચોઃ આવી રહ્યું છે ચક્રવાત ‘વણઝાર'! અંબાલાલે કહ્યું હજુ નથી ગયો વરસાદ, આ તારીખોમાં ફરી...
SOG ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું કે આરોપી અલ્પેશ પટેલ 2001માં કોઈ એજન્ટ મારફતે પોતાના ભારતીય પાસપોર્ટના આધારે મુંબઈથી ગોટુમાલા ગયો હતો અને ત્યારે ગેરકાયદેસર મેક્સિકોની બોર્ડર ક્રોસ કરીને અમેરિકા ગયો હતો. ત્યાં એક સ્ટોરમાં નોકરી કરતો હતો. 2017માં સપના પટેલ નામની યુવતીના સંપર્કમાં આવતા બંન્ને લગ્ન કર્યા હતા. તેમને અમેરિકામાં 2 સંતાન છે. સપના અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવે છે. જ્યારે અલ્પેશ ગેરકાયદેસર આવ્યો હોવાથી અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવી સ્થાયી થવા માટે અમેરિકામાં ન્યૂજર્સીના એક એજન્ટ દ્વારા ભારતીય નકલી પાસપોર્ટ બનાવીને ભારત પરત ફર્યો હતો. ત્યારબાદ પોતાની પત્નીના આધારે કાયદેસર વિઝા મેળવીને અમેરિકા પરત જવાનો હતો. પરંતુ કબૂતરબાજીના આ ખેલમાં અલ્પેશ પટેલ ખુદ જ પોલીસની પકડમાં આવી ગયો છે. SOG ક્રાઇમે આરોપીની ધરપકડ કરીને 18 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપી અલ્પેશ પટેલ મૂળ આણંદનો રહેવાસી છે. તેના માતા પિતા મૃત્યુ પામ્યા છે. તે છેલ્લા 23 વર્ષથી અમેરિકામાં જ રહેતો હતો. પરંતુ અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની લાલચમાં જેલના સળીયા પાછળ જવાનો વારો આવ્યો છે.