ધવલ પરીખ/નવસારી: 5 કરોડની સોપારી લઇને મિત્રની હત્યા કરીને તેને દફનાવી દેનારા હત્યારાઓને નવસારી પોલીસે ગત નવેમ્બર 2023 માં દબોચી લીધા હતા. જે હત્યા પ્રકરણમાં સોપારી આપનારા મુખ્ય આરોપીને ચીખલી પોલીસે બાતમીને આધારે દમણથી પકડી પાડ્યો હતો. જેની પૂછપરછમાં મદદગારી કરનારા વધુ 5 આરોપીઓના નામ ખુલતા પોલીસે તમામની ધરપકડ કરી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જયારે આજે વધુ એકની ધરપકડ કરી છે. જયારે હજુ એક હત્યારો પોલીસ પકડથી દૂર રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હચમચાવી નાખનાર હરણી બોટ દુર્ઘટનાના FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, વધુ બે આરોપીઓની ધરપકડ


નવસારીના ગણદેવી તાલુકાના આંતલિયા ગામે રહેતા કલ્પેશ છગન પટેલ અને બીલીમોરાની તીસરી ગલીના રીઢા ગુનેગારોની ટોળકી સાથે માથાકૂટ ચાલતી રહેતી હતી. જેમાં ત્રણ વર્ષ અગાઉ કલ્પેશના ભાઈની છાપરના ભૌતિક ઉર્ફે ભાવુ પટેલ તેમજ તેના સાગરીતોએ ઢોર માર મારી તેની હત્યા કરી નાંખી હતી. જેમાં ભૌતિક સહિતના આરોપીઓની ધરપકડ થઇ હતી. પરંતુ કલ્પેશ ભાઈની હત્યાનો બદલો લેવા ઘાત લગાવી બેઠો હતો. જેમાં થોડા સમય બાદ જેલમાંથી પે રોલ પર છુટેલા ભૌતિકને યમધામ પહોંચાડવા કલ્પેશે ભૌતિકના જ મિત્ર હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલને 5 કરોડ રૂપિયાની સોપારી આપી હતી. 


LRDની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર; હવે નહીં ગણાય દોડના માર્ક્સ...જાણી લો નવા નિયમો


સોપારી મળ્યા બાદ સિકંદરે, ગત એપ્રિલ 2023 માં પાર્ટી કરવાના બહાને અમલસાડ સ્થિત તેના રૂમ પર બોલાવી, તેના સાથીદારો આદર્શ પટેલ અને મનીષ ઉર્ફે ગુરૂ પાઠક સાથે મળીને ઠંડા કલેજે હત્યા નીપજાવી દીધી હતી. બાદમાં મોડી રાતે મૃતક ભૌતિક ઉર્ફે ભાવુના મૃતદેહને અમલસાડથી થોડે દૂર ભેંસલા ગામની સીમમાં રેલ્વે ટ્રેક પાસેની અવાવરૂ જગ્યામાં અન્ય સાથીદારો સતીશ પટેલ, ગીરીશ પાઠક, મીગ્નેશ પટેલ અને વિશાલ હળપતિ સાથે મળીને દફનાવી દીધો હતો.


નવો અભિગમ! સહકારી મંડળીઓને માઇક્રો-ATM અને દૂધ સહકારી મંડળીના સભાસદોને RuPay કિસાન.. 


બીજી તરફ ભૌતિક ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ભૌતિકની હત્યાના 8 મહિના બાદ ગત 26 નવેમ્બર 2023 ના રોજ નવસારી પોલીસે બાતમીને આધારે ભૌતિકની હત્યાનો ભેદ ઉકેલી, તેના મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા હતા. સાથે જ હત્યારા હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે સોપારી આપનાર મુખ્ય આરોપી કલ્પેશ પટેલને ગંધ આવી જતા તે પોલીસના હાથમાંથી સરકી ગયો હતો. નવેમ્બરમાં ભાગેલો કલ્પેશ એક દોઢ મહિનો રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં રહ્યો હતો. 


નકલી કચેરીઓ, પોલીસ, અધિકારીઓ બાદ હવે નકલી N.A હુકમનું મોટું કૌભાંડ, 3ની ધરપકડ


બાદમાં નવસારીથી નજીકના દમણમાં છુપાયો હોવાની માહિતી મળતા જ ચીખલી પોલસે દમણથી તેને દબોચી લઇ, ગણદેવી કોર્ટમાં હાજર કરતા તેના 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કલ્પેશના રિમાન્ડ દરમિયાન અન્ય 6 આરોપીઓના નામો ખુલ્યા હતા. જેમાં વડોદરાના કરજણ ખાતે રહેતા વિશાલ ડાભીયા, નવસારીના આંતલિયાના દીલ્પેશ પટેલ, ગણદેવીના વેગામની જીગ્નેષા ઉર્ફે જીજ્ઞા નાયકા, તુષાર ઉર્ફે તુલસી પારધી અને રવિકુમાર વર્માની ધરપકડ કરી, તેમને કોર્ટમાં રજૂ કરતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં ધકેલાયા હતા. જયારે આજે વધુ એક આરોપી સારિક મકરાણીની ધરપકડ કરી છે. જોકે હજી પણ ભૌતિકની હત્યામાં સામેલ આદર્શ પટેલ પોલીસને હંફાવી રહ્યો છે.


ગુજરાત વિદ્યાપીઠને મળ્યા 17મા નવા કુલપતિ, જાણો કોણે મળી આ સૌથી મોટી જવાબદારી?


આરોપી કલ્પેશ પટેલ અને બીલીમોરાની તીસરી ગલીના આમીન શેખ વચ્ચે વર્ચસ્વની લડાઈ હતી. જેમાં બંને પક્ષ વચ્ચે કોઈને કોઈ બાબતે વિવાદ સાથે મારામારી થતી રહેતી હતી. પરંતુ વર્ચાસ્વની લડાઈ ખૂની બની અને કલ્પેશના ભાઈ અને આમીનની ટોળકીમાંથી ભૌતિકે જીવ ગુમાવવો પડ્યો છે. હાલતો પોલીસે ભૌતિકની હત્યામાં શામેલ 14 માંથી 13 ને જેલ હવાલે કર્યા છે. જયારે એકનું પગેરૂ શોધવા પોલીસ મથી રહી છે.