ગૌરવ પટેલ/અમદાવાદ : પંજાબ નેશનલ બેંક કૌંભાંડના આરોપી મેહુલ ચોક્સીના દેશ છોડીને ભાગવાના કિસ્સામાં વડાપ્રધાન ચોકીદાર છે કે ભાગીદાર તે જાહેર કરવાની માંગ અર્જુન મોઢવાડીયાએ કરી છે. ગુજરાત કાંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ મેહુલ ચોક્સીના ભાગી જવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધીને તેમણે આક્ષેપ કર્યો કે ભારતીય જનતા પાર્ટી તેમની 'ઉડાન' યોજના હેઠળ દેશની બેન્કો અને પ્રજાને લુંટનારને ભગાડવામાં તથા વિદેશમાં સ્થાયી થવામાં મદદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર બેંક અને પ્રજા સાથે છેતરપિંડી કરતા લોકોને ભારતની જેલમાંથી બચાવી વિદેશમાં સ્થાયી કરતી હોવાનું જણાવી અર્જુન મોઢવાડીયાએ કહ્યું છે કે નિરવ મોદી, લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી જેવા લોકોએ દેશની બેંકોને કરોડોનો ચુનો લગાડ્યો હોવા છતાં સરકાર દ્વારા તેમને સેફ પેસેજ આપવામાં આવ્યો. મોઢવાડીયાએ કહ્યું કે મેહુલ ચોક્સી સામે નાના-મોટા 42 કેસ પેન્ડિંગ હોવા છતાં તેમને રોકવામાં આવ્યા નહીં. તેમને મે, 2017માં એન્ટીગુઆ ખાતે સ્થાયી થવા માટે દેશના વિદેશ ખાતા દ્વારા મુંબઇ પોલીસ થકી ક્લિયરન્સ અપાયું. દેશના વડાપ્રધાનને ટાર્ગેટ કરતાં મોઢવાડીયાએ ઉમેર્યુ કે મેહુલ ચોક્સીના કેસની વિગતો વડાપ્રધાન, નાણાપ્રધાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પાસે હોવા છતાં તેમને કેમ પોલીસ સર્ટિફિકેટ અપાયું તે વડાપ્રધાન જાહેર કરે.


મેહુલ ચોક્સી સામે 26 હજાર કરોડના કૌભાંડમાં દેશના અલગઅલગ ભાગોમાં 42 કેસ પેન્ડિંગ છે. આમાં ચેક બાઉન્સ થવા, છેતરપિંડી કરવી, પેમેન્ટ ન કરવું તેમજ બનાવટી દસ્તાવેજ ઉભા કરી કંપની સાથ છેતરપિંડી કરવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ કેસના આધારે મોઢવાડીયાએ કહ્યું કે 14 સપ્ટેમ્બર, 2016ના ગુજરાત હાઇકોર્ટના વચગાળાના ચુકાદામાં કોર્ટે મેહુલ ચોક્સીનો પાસપોર્ટ જમા લેવાની અરજી સામે ગુજરાત સરકાર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યાં નહોતા.


મેહુલ ચોક્સીએ જ્યારે એન્ટીગુઆની નાગરીકતા મેળવી લીધી ત્યારે હવે તે દુનિયાના 132 દેશમાં કોઇ પણ પ્રકારની રોક અને વીસા વગર અવરજવર કરી શકે છે ત્યારે મોઢવાડીયા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે મેહુલ ચોક્સી સામે 42 કેસ હોવા છતાં અને બે કોર્ટ દ્વારા તેને ભાગેડુ જાહેર કરાયો હોવા છતાં તેને પોલીસ ક્લીયરન્સ કઇ રીતે મળ્યુ એ સરકાર જાહેર કરે. આ વેરીફીકેશન કરનાર એજન્સી સામે સરકાર શું પગલાં લેશે એ જાહેર કરે અને મેહુલ ચોક્સીના કિસ્સામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોકીદાર હતા કે ભાગીદાર તે જાહેર કરે.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...