Congress અધ્યક્ષ માટે અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં, જાણો નેતા વિપક્ષ માટે કોણ છે રેસમાં
ગુજરાત કોંગ્રેસની કમાન કોને મળશે તે સવાલ અત્યારે રાજકીય વર્તુળોમાં ચાલી રહ્યો છે. આ માટે કેટલાક નેતાઓના નામ રેસમાં છે.
ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls) માં કારમા પરાજય બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા (Amit Chavda) અને વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી (Paresh Dhanani) એ પોતાના રાજીનામા આપી દીધા હતા. મહત્વનું છે કે રાજ્યમાં છ મહાનગર પાલિકા ગુમાવ્યા બાદ કોંગ્રેસનું જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ધોવાણ થયું હતું. હવે કોંગ્રેસમાં નવા નેતૃત્વને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.
જાણો કોણ છે પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાં
અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામા બાદ કોંગ્રેસમાં હવે નવા નેતા કોણ બનશે તે સૌથી મોટો સવાલ છે. આ નિર્ણય પાર્ટી હાઈ કમાન્ડ લેશે. ત્યારે કોંગ્રેસમાં આ અંચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ માટે પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં છે. મોઢવાડિયા આ રેસમાં સૌથી આગળ છે. તો ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા જગદીશ ઠાકોરનું નામ પણ પ્રદેશ પ્રમુખ માટે ચર્ચામાં છે.
આ પણ વાંચોઃ IND vs ENG: વિશ્વના મોટા સ્ટેડિયમમાં પ્રથમ દિવસે દર્શકોની પાંખી હાજરી, GCA ચિંતામાં
આ સિવાય રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ જો પાર્ટી હાઈ કમાન્ડ કહેશે તો પ્રદેશમાં અધ્યક્ષનું પદ સંભાળી શકે છે. આ સિવાય યુવા નેતા ઇન્દ્રવિજય સિંહ ગોહિલનું નામ પણ ચર્ચામાં છે. હવે જોવાનું રહેશે કે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ હાઈ કમાન્ડ ક્યા નેતા પર વિશ્વાસ મુકે છે.
જાણો કોણ બની શકે છે નેતા વિપક્ષ
આ સિવાય કોંગ્રેસ પાર્ટી નવા વિપક્ષ નેતા પર પણ ધ્યાન આપી રહી છે. પાર્ટી હાઈ કમાન્ડ જ્ઞાતિના સમીકરણ જોઈને જ નેતાઓની પસંદગી કરશે. આ સાથે જે વિસ્તારમાંથી અધ્યક્ષ બનાવાશે તે વિસ્તારમાંથી કોઈને નેતા વિપક્ષનું પદ અપાશે નહીં. કોંગ્રેસમાં હાલ વિપક્ષ નેતા તરીકે શૈલેષ પરમારના નામની ચર્ચા થઈ રહી છે. તો આદિવાસી નેતાઓમાં અશ્વિન કોટવાલ અને ઇનિલ જોશીયારા પણ રેસમાં છે. જો કોંગ્રેસ પાટીદારને જવાબદારી સોંપશે તો વિરજી ઠુમ્મર પર પણ કળશ ઢોળાઈ શકે છે. આ મહિનાના અંત સુધીમાં પાર્ટી નવા નામની જાહેરાત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube