રથયાત્રા પહેલાં ઝડપાયો પિસ્તોલ અને રિવોલ્વરનો લાખોનો જથ્થો, પોલીસની ઉડી નિંદર
141મી રથયાત્રાને હવે માત્ર પંદર જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી ગઇ છે
હર્મેશ સુખડિયા/અમદાવાદ : હવે રથયાત્રાને ગણતરીના દિવસોની વાર છે ત્યાં અમદાવાદની નરોડા કેનાલ પાસેથી હથિયારોનો જથ્થો ઝડપાતા વાતાવરણમાં તંગદિલી વ્યાપી ગઈ છે. આ મામલે ક્રાઇમ બ્રાંચે 10 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે નરોડા કેનાલ પાસેથી ક્રાઈમ બ્રાંચે 6 પિસ્તોલ, 2 રિવોલ્વર, 4 મેગેઝિન , 101 કારતૂસનો જથ્થો જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાંચે સુરજ અને અર્જુન નામના 2 શખ્સોની ધરપકડ કરી છે જ્યારે 10 લોકો સામે ગુનો નોંધ્યો છે. તેમની પાસેથી રૂ.1.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રથયાત્રા પહેલા હથિયારો ઝડપાતા પોલીસ અને ક્રાઈમ બ્રાંચ સજાગ બની ગઈ છે.
141મી રથયાત્રાને હવે માત્ર પંદર જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી ગઇ છે અને પ્રિ એક્શન પ્લાન પોલીસે ઘડી દીધો છે. આ પ્લાનિંગના ભાગરૂપે થોડા દિવસોમાં જ કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવશે. આ વખતે પોલીસે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ આયોજનના ભાગરૂપે શરૂઆતમાં તો પોલીસ શાંતિ સમિતીના લોકો સાથે મિટીંગ કરતી હોય છે અને પછી એક્શન પ્લાન ઘડે છે. આ આયોજન થઈ ગયા પછી રૂટ પર કેવી રીતે બંદોબસ્ત જાળવવો તેની પણ તૈયારી કરાતી હોય છે. હાલમાં રૂટમાં આવતા દરિયાપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. શાંતિ જાળવવાની તૈયારીના ભાગરૂપે આ વિસ્તારમાં 49 કેમેરા લગાવેલા જ હતા પણ હવે પોલીસે વધુ 16 કેમેરા લગાવ્યા છે. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.