Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ખુબ પરસેવો પાડી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તે માટે ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલે આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે કહ્યું કે તેમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોઈતા નથી. તેમણે કહ્યું કે તેમને ભાજપના કાર્યકરો અને પન્ના પ્રમુખોની જરૂર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ કાર્યકરોને પણ ઓફર કરી નાખી કે તેઓ ભાજપમાં જ રહે પરંતુ કામ આમ આદમી પાર્ટી માટે કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAP સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના પોતાના બે દિવસના પ્રવાસના અંતિમ દિવસે આજે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કરી. કેજરીવાલે કહ્યું કે ભાજપ કાર્યકરોએ ભાજપ પાસેથી પૈસા લેતા રહેવું જોઈએ પરંતુ અંદરથી જ તેમણે આમ આદમી પાર્ટી માટે કામ કરવું જોઈએ. કેજરીવાલે કહ્યું કે રાજ્યમાં તેમની પાર્ટી સત્તામાં આવશે તો ભાજપના કાર્યકરોને પણ સામાન્ય માણસોને અપાયેલી તમામ ગેરંટીઓના લાભ મળશે. 


ભાજપના નેતાઓને નથી લેવા ઈચ્છતા-કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે અમે ભાજપના નેતાઓને અમારી પાર્ટીમાં સામેલ કરવા માંગતા નથી. ભાજપ પોતાના નેતાઓને રાખી શકે છે. ભાજપના પનના પ્રમુખ, ગામડાઓ, બૂથો અને તાલુકાઓના કાર્યકરો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાઈ રહ્યા છે. હું તેમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષો બાદ પણ ભાજપે તેમને સેવાના બદલે શું આપ્યું? કેજરીવાલે કહ્યું કે ભાજપે પોતાની પાર્ટીના કાર્યકરો અને તેમના પરિવારોના સભ્યોને મફત અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા અને મફત વીજળી જેવી સુવિધાઓની રજૂઆત ન કરી, પરંતુ આમ આદમી પાર્ટી તેમના કલ્યાણની પરવા કરશે. 


ભાજપના કાર્યકરોને ઓફર
ભાજપના કાર્યકરોને ઓફર આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'ભાજપ કાર્યકરો પોતાની પાર્ટીમાં રહીને આમ આદમી પાર્ટી માટે કામ કરી શકે છે. તેમાંથી અનેક લોકોને ભાજપ તરફથી પૈસા આપવામાં આવે છે. આથી ત્યાંથી પૈસા લો પરંતુ અમારા માટે કામ કરો. કારણ કે અમારી પાસે પૈસા નથી.' કેજરીવાલે કહ્યું કે 'જ્યારે અમે ગુજરાતમાં સરકાર બનાવીશું, અમે મફત વીજળી આપીશું, અને આ વીજળી ભાજપના કાર્યકરોને પણ મળશે. અમે તમે 24 કલાક મફત વીજળી આપીશું અને તમારા બાળકો માટે સારી શાળાઓ બનાવડાવીશું જ્યાં તેમને મફત શિક્ષણ મળશે. અમે તમારા પરિવારના સભ્યો માટે મફત અને ગુણવત્તાપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરીશું અને તમારા પરિવારમાં મહિલાઓને ભથ્થા તરીકે 1000 રૂપિયા પ્રતિ માસ પણ આપીશું.' 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube