મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં દરેક બેઠક પરથી લડવાની છે. હવે ગુજરાતમાં જનતાને આકર્ષવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાર વારંવાર આવી રહ્યા છે અને નવી નવી ગેરંટીઓ આપી રહ્યા છે. તેના ભાગરૂપે આજે સાંજે (રવિવાર) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે રવિવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા અને ડ્રગ્સ મુદ્દાને આવરી લીધો છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આપની લોકપ્રિયતા વધી રહી છે. જો રાજ્યની જનતા અમારા પર ભરોસો મૂકીને અમારી સરકાર બનાવશે તો અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપીશું. મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્યો ભ્રષ્ટાચાર નહીં કરે. અમે સાફ સુથરી સરકાર અને પ્રસાશન આપીશું. સરકારી કચેરીઓમાં કામ કરવા માટે લાંચ નહીં આપવી પડે. ભ્રષ્ટાચાર નહીં થાય તેના કારણે જે પણ પૈસા બચશે તેને પ્રજાના કામો માટે વાપરવામાં આવશે અત્યારે જે પૈસા બેંકમાં ગયા છે તે પ્રજાના કામમાં ઉપયોગમાં લેવાશે.


ડ્રગ મામલે અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ સમગ્ર દેશમાં જાય છે. પ્રસાશનની મિલીભગત વગર ડ્રગ પહોંચી જ ના શકે. હાલ પકડાયેલું ડ્રગ્સ 22 હજાર કરોડનું છે, તો નહીં પકડાયેલું ડ્રગ્સ કેટલું હશે? ગુજરાતમાં એક પોર્ટ ઉપર હજારો કરોડનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે. જેની ગેરંટી આપવા માટે આવ્યા છે. ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર થયો છે, પેપરો ફૂટ્યા છે તે તમામની અમે તપાસ કરાવીશું. દોષીતોને કડક સજા અપાવીશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube