ઓનલાઇન શિક્ષણની આડ અસર, અનેક બાળકોની આંખોના નંબર વધી ગયા
કોરોના કાળમાં શિક્ષણ કાર્ય ઓનલાઇન ચાલી રહ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓ મોબાઇલ કે લેપટોપ દ્વારા અભ્યાસ કરી રહ્યાં હતા. લાંબા સમય સુધી ઓનલાઇન અભ્યાસ કરવાની અસર બાળકોની દ્રષ્ટિ પર પડી છે. અનેક બાળકોની આંખના નંબર વધી ગયા છે.
તેજસ દવે, મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં કોરોના કાળમાં ઓફલાઈન શિક્ષણ બંધ થયા બાદ ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓની આંખોનાં નંબર વધ્યા હોવાનુ એક સર્વેમાં બહાર આવ્યું છે. જેમાં ખાનગી હોસ્પિટલોમાં 6થી 14 વર્ષનાં બાળકોની 30% ઓપીડી વધી છે. તો મહેસાણા જિલ્લામા સરકારી શાળાઓમાં 2200 જેટલા બાળકોના આંખના નંબર આવ્યા હોવાનુ સામે આવ્યું છે.
રાજ્યમાં સૌપ્રથમ મહેસાણા જિલ્લાની 916 પ્રાથમિક શાળાનાં 1.88 લાખ બાળકોની આંખો અંગે કરાયેલા સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પ્રાથમિક શાળાના 2217 છાત્રોમાં દ્રષ્ટીની ખામી જણાઇ છે. ગત વર્ષે 1814 છાત્રોને ચશ્મા અપાયાં હતાં બીજા તબક્કાના સર્વેમાં બાળકોની સંખ્યા બમણી થવાની શક્યતા છે. ઓનલાઈન શિક્ષણમમાં બાળકોનો સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ સાથેનો આઈ કોન્ટેક્ટ વધવાના કારણે આંખો પર અસર પહોંચી. કોરોના મહામારી દરમિયાન મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણથી બાળકોની આંખોના નંબરમાં વધારો થયો હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાયેલા સર્વેમાં ગત વર્ષ કરતાં આંખની નબળાઈ ધરાવતાં બાળકોની સંખ્યા બમણી થવાની શક્યતા છે. પ્રથમ તબક્કામાં 2217 બાળકોમાં દ્રષ્ટીની ખામી જણાઈ આવી છે, જે બીજા તબક્કામાં બમણી થવાનો અંદાજ છે.
કોરોના મહામારી દરમિયાન ઓફલાઈન શિક્ષણ બંધ થતાં પ્રાથમિક શાળાના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. ત્યારે કોરોના મહામારીએ બાળકોને પણ છોડ્યા નથી. હાલ માં વાલીઓની ઇધર કુઆ ઉધર ખાઈ જેવી થઈ છે. પોતાના બાળકને મોબાઈલ ન આપે તો અભ્યાસ બગડે અને આપે તો આંખો. મોટાભાગના બાળકોએ ટેલિવિઝન અને સ્માર્ટ ફોનના માધ્યમથી શિક્ષણ મેળવ્યું હતું. સ્માર્ટ ફોન, ટેલિવિઝન અને લેપટોપ જેવા ડિજિટલ ડિવાઈસ સાથે બાળકોનો આઈ કોન્ટેક્ટ વધવાના કારણે બાળકોની આંખ ઉપર અસરો થઈ હતી.
મહેસાણા જિલ્લામાં તાલીમ પામેલા 986 શાળાના શિક્ષકોએ 1,88,076 વિદ્યાર્થીઓ પૈકી 1,86,696 આંખોની ચકાસણી કરતાં 11961ની આંખોમાં જોવાની સમસ્યા જણાઈ હતી. ત્યાર બાદ આરબીએસકેના ડોક્ટરોએ 11961 વિદ્યાર્થીઓની આંખોનું નિદાન કરી 7467 બાળકો અલગ તારવ્યા, બાદમાં આંખોના નિષ્ણાંતોએ ચકાસણી કરતાં 2217 બાળકો આંખોની નબળાઈ ધરાવતા માલુમ પડ્યા હતા. બીજા તબક્કાના સર્વેમાં આવા બાળકોની સંખ્યા બમણી થવાની શક્યતા ડીડીઓએ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019-20 માં જિલ્લામાં દ્રષ્ટિની ખામીવાળા 1814 બાળકો જણાતાં ચશ્મા અપાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube