વિધાનસભા અધ્યક્ષ ધોળકા વિધાનસભા સીટ ખાલી જાહેર કરેઃ કોંગ્રેસ
હાઈકોર્ટના ચુકાદા બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર લખ્યો છે. તેમણે માગ કરી છે કે અધ્યક્ષ દ્વારા ધોળકા વિધાનસભા બેઠકને તાત્કાલીક અસરથી ખાલી જાહેર કરવામાં આવે.
અમદાવાદઃ ધોળકા બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ફટકો પડ્યો છે. હવે એક તરફ ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તો બીજીતરફ કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે કે, વિધાનસભા અધ્યક્ષ ધોળકા વિધાનસભા બેઠકને ખાલી જાહેર કરે. વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર પણ લખ્યો છે.
અધ્યક્ષ ધોળકા બેઠક ખાલી જાહેર કરેઃ કોંગ્રેસ
ગઈકાલે હાઈકોર્ટના ચુકાદા બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર લખ્યો છે. તેમણે માગ કરી છે કે અધ્યક્ષ દ્વારા ધોળકા વિધાનસભા બેઠકને તાત્કાલીક અસરથી ખાલી જાહેર કરવામાં આવે. આ સાથે ધાનાણીએ હાઈકોર્ટના ચુકાદાનો પત્ર પણ સાથે જોડ્યો છે.
ધોળકા બેઠક કેસ અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રિમનો દરવાજો ખખડાવ્યો
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ ધોળકા વિધાનસભા બેઠક ખાલી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ભૂપેન્દ્ર સિંહ કોઈ હોદ્દો ન ભોગવે તે જવાબદારી અધ્યક્ષની છે. કોંગ્રેસે કહ્યું કે, શિક્ષણમંત્રી તરીકે ભવિષ્યની પેઢીને સંદેશો આપવા માટે ભુપેન્દ્રસિંહે આ પદ છોડી દેવું જોઈએ. કોંગ્રેસે અધ્યક્ષ પાસે પણ બેઠક ખાલી કરવા માટે માગ કરી છે. તેમણે કહ્યુ કે, અધ્યક્ષે પક્ષપાતીથી દૂર રહીને પોતાની ફરજ બજાવતા ધોળકા વિધાનસભાને ખાલી જાહેર કરવી જોઈએ.
શું છે મામલો
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર