ધવલ પરીખ/નવસારી: નવસારી રેલ્વે સ્ટેશન નજીક આવેલા સાંઈ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે યોજાયેલા લોક ડાયરામાં સુરતના ટ્રાફિક PSI અને નવસારી સ્ટેશનના સ્થાનિક લીસ્ટેડ બુટલેગરો સાથે એક મંચ પર દેખાયાનો વીડિયો વાયરલ થયા બાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે નવસારીના રાજકીય આગેવાનોએ સમગ્ર મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી રેલવે સ્ટેશન નજીક ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા બનાવેલા સાઈ મંદિરનો ગતરોજ પાટોત્સવ હતો. જેમાં મંદિરના લાભાર્થે લોક ગાયિકા અપેક્ષા પંડ્યાનો લોકડાયરો પણ યોજ્યો હતો. ડાયરામાં અગાઉ નવસારીમાં ફરજ બજાવી ગયેલા અને હાલ સુરત ટ્રાફિક પોલીસના PSI એસ. એફ. ગોસ્વામી પણ ડાયરામાં આવ્યા હતા. દરમિયાન તેઓ નવસારી રેલવે સ્ટેશન નજીકના લિસ્ટેડ બુટલેગરો લાલા પટેલ અને દીપક ઉર્ફે કાલે બાબા સાથે ડાયરાના મંચ પર એક સાથે જોવા મળ્યા હતા. 



બુટલેગર અને PSI મંચ પર ચડતા જ લોક ગાયિકાએ મિત્રતા ઉપરનું ગીત લલકાર્યું હતું. જેમાં બુટલેગર દિપક ઉર્ફે કાલે બાબાએ PSI ગોસ્વામી ઉપર રૂપિયા વરસાવ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધીની વાતો કરતી પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠ હોવાની વાતે તુલ પકડતા સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. 


સમગ્ર મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જિલ્લામાં સાંઠગાંઠમાં જ બુટલેગરો દારૂબંધીનો છેદ ઉડાવી રહ્યાના આક્ષેપો કર્યા હતા. સાથે જ કાયદો વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવ્યો હતો. જેની સામે જિલ્લા ભાજપ પ્રમુખે PSI ગોસ્વામી સુરતમાં ફરજ બજાવતા હોવાનું જણાવી, નવસારીમાં પોલીસ સક્રિયતાથી કામ કરી રહી છે અને જિલ્લામાં પોલીસ કાયદો વ્યવસ્થા જાળવી પણ રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.