મોરબીઃ સામાન્ય રીતે બેન્કના ખાતેદારો પાસેથી તેના એકાઉન્ટને લગતી માહિતી મેળવીને ભેજાબાજ શખ્સો દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવતા હોય છે. જો કે, એટીએમ કાર્ડ ધારકના એટીએમ તેની પાસે જ હોય અને કોઇપણ પ્રકારની માહિતી માંગ્યા વગર તેના ખાતામાંથી નાણા ઉપડી જાય છે આવા બનાવો મોરબી પંથકમાં દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે.  જેમાં બેન્કના ખાતેદારોના ખાતામાંથી બોગસ એટીએમ કાર્ડ મારફતે લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં સાડા સાત લાખથી વધુ રૂપિયા ઉપાડી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ ચુકી છે. જો કે, આ આંકડો ૧૦ લાખથી વધુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે એટીએમનો ઉપયોગ કરીને તમારા બેંકના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી રહ્યા છો તો પણ તમારે રહેવું પડશે સાવધાન. આ વાત સાંભળીને તમારે જરાપણ ચોંકી જવાની જરૂર નથી. મોરબી શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલ એટીએમમાંથી પોતાની જરૂરિયાત પ્રમણે છેલ્લા મહિનાઓમાં નાણા ઉપાડનારા ખાતેદારોના ખાતામાંથી બોગસ એટીએમ મારફતે લાખો રૂપિયા ભેજાબાજ શખસો દ્વારા દિલ્હી, પંચકુલા, ચંડીગઢ, હરદ્વાર સહિતના સ્થળોએથી ઉપાડી લેવામાં આવ્યા છે. જેથી ભોગ બનેલા ખાતેદારોની મોરબી સીટી એ-ડીવીઝન ખાતે ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા એટીએમ ફ્રોડના ગુનાને અંજામ આપનારા આરોપીને પકડવા માટેની તજવીજ શરુ કરવામાં આવી છે.


જે જે લોકોના ખાતામાંથી રૂપિયા ગયા છે તેમાંથી કોઈને પણ અજાણ્યા નંબર પરથી બેન્કની વિગતો માંગવા માટે ફોન આવ્યા નથી. તો પણ તેઓ એટીએમ ફ્રોડના શિકાર બની ગયા છે. મોરબી શહેરના જુદ્જુદા વિસ્તારમાં રહેતા લોકો તેમજ માળિયા તાલુકાના જુદા જુદા ગામમાં રહેતા લોકોને ગુનેગારો દ્વારા શિકાર બનાવવામાં આવ્યા છે.  તેઓના ખાતા સાથે એટેચ કરેલા મોબાઈલ નંબરમાં બેકમાંથી રૂપિયા ઉપાડી ગયા હોવાનો મેસેજ આવ્યો ત્યારે તેઓના ધ્યાન પર આવ્યું છે. તેમના ખાતામાંથી રૂપિયા ગુમ થઇ ગયા છે જેથી અત્યાર સુધીમાં સાડા સાત લાખ રૂપિયા જેટલી રકમ જુદાજુદા ખાતેદારોના ખાતામાંથી ગઈ હોવાની ફરિયાદ મળી છે જેના આધારે તપાસ ચાલી રહી છે.


હાલમાં એટીએમ ફ્રોડના જે બનાવો સામે આવ્યા છે તેમાં એક જ મોડેસ ઓપરેન્ડીથી ગુનેગાર દ્વારા ગુના આચરવામાં આવ્યા છે. જેથી પોલીસ સાથે વાત કરતા તેમને જણવ્યું હતું કે, એટીએમ ફ્રોડના ગુનાને ગુનેગારો અંજામ આપતા પહેલા ચોક્કસ વિસ્તારોમાં આવેલા એટીએમ મશીનોની રેકી કરે છે અને ત્યાર બાદ જે એટીએમ મશીન ઉપર ચોકીદાર ન હોય તેવા મશીનમાં ખાતેદારોના એટીએમને સ્ક્રીમીંગ(ડેટા ચોરી) કરવા માટેનું ડિવાઈસ લગાવી દેવામાં આવે છે. જેમાં ડેટા સ્ક્રીમીંગ થઇ ગયા પછી ક્લોનીંગ એટલે કે ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવવામાં આવે છે અને તે ડુપ્લીકેટ કાર્ડનો ઉપયોગ કરીને જે તે ખાતેદારના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે.