ખુલ્લેઆમ લેડી ડોનની ગુંડાગીરી! જાહેરમાં ચપ્પુ લઈને મારામારી કરી, ધાક જમાવતી યુવતી CCTVમાં કેદ
સુરતના કપોદ્રા પોલીસ મથકની હદમાં એક યુવતીનો વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી જાહેરમાં ચપ્પુ જેવા હથિયાર સાથે રોફ જમાવતી હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયો વાયરલ થતા કાપોદ્રા પોલીસની ટીમ હરકતમાં આવી હતી.
ચેતન પટેલ/સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં જાહેર રોડ પર ચપ્પુ લઈને મારામારી કરતી એક યુવતીનો વિડીયો વાયરલ થયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ કરી યુવતી અને તેના સાગરિતની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસનો જયારે તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.
સુરતના કપોદ્રા પોલીસ મથકની હદમાં એક યુવતીનો વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી જાહેરમાં ચપ્પુ જેવા હથિયાર સાથે રોફ જમાવતી હોવાનું જાણવા મળ્યું હતું. વીડિયો વાયરલ થતા કાપોદ્રા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરુ કરી હતી.
પોલીસ તપાસમાં આ વીડિયો કાપોદ્રા પુણાગામ સ્થિત નાલંદા સ્કુલના ગેટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું અને વીડિયોમાં દેખાતી યુવતી ભાવનાબેન ઉર્ફે ભાવિકા અનીલભાઈ વાળા હોવાનું બહાર આવ્યું હતું. જેથી કાપોદ્રા પોલીસે તપાસ કરી આ યુવતી અને તેના સાગરિત રાહુલ ઉર્ફે રામુ ઉર્ફે રામલો બાડો સુરેશભાઈ પરમારની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી કટાર જેવું ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસનો જયારે તેના સાગરિત સામે પુણા પોલીસ મથકમાં મારામારી અને દમણમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું આરોપીઓ ગત ૨૬-૧૧-૨૦૨૩ના રોજ દમણ ખાતે તેના બે મિત્રો સાથે ગયા હતા અને તે વખતે રોડ પર ફોરવ્હીલ ચાલક સાથે ઝઘડો થતા રોડ પર આવેલા હોટેલના માલિક સાથે મારામારી કરી છરાથી હુમલો કરી નાસી છૂટ્યા હતા અને તે મામલે દમણમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
વધુમાં ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે રામુ બાડો રીઢો ગુનેગાર છે અને તેની સામે વરાછા, કાપોદ્રા, પુણા, ડુમ્મસ, અમરોલી પોલીસ મથક મળી કુલ 6 ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે એસીપી વીઆર પટેલે એ જાણાવ્યું હતું કે યુવતીનો વીડિયો વાયરલ થયો હતો અને આ મામલે તપાસ કરી યુવતી અને તેના સાગરિતની ધરપકડ કરી છે. આરોપીઓ દમણ ખાતે હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ છે તે અંગે દમણ પોલીસને જાણ કરવામાં આવી છે.