ઝી બ્યુરો/અમદાવાદ: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાનો અંદાજ છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નાના અને મોટા વેપારી જગતને ઘણો ફાયદો થઈ રહ્યો છે અને ઉદ્યોગપતિઓને પણ કરોડોનો વેપાર થઈ રહ્યો છે. આ સાથે જ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ગુજરાતના વેપાર ઉદ્યોગને બૂસ્ટર ડોઝ સાબિત થયો છે. ગુજરાતના સર્વિસ સેક્ટરથી લઇ ફટાકડા ઉદ્યોગ સુધી રામ મંદિરના કારણે મોટો લાભ મળ્યો છે. એક અંદાજ મુજબ 1200 કરોડનો વેપાર થયો હોવાની શક્યતા જોવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરીના GST કલેક્શનમાં રામ મંદિરની અસર જોવા મળશે
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે આખો દેશ રામભક્તિમાં ડુબી ગયો હતો. છેલ્લા 10 દિવસથી બજારમાં મુવમેન્ટ શરૂ થઈ હતી. દિવાળી-નવરાત્રિની જેમ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ક્ષણે પણ બજાર ફૂલગુલાબી રહ્યું છે. ગુજરાતમાં દીવા, ફટાકડા, રેસ્ટોરન્ટ, ઈવેન્ટ મેનેજમેન્ટ, ટેક્સટાઇલ, હોટેલ ઉદ્યોગને ચાંદી જ ચાંદી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તહેવાર સાથે જોડાયેલ તમામ ઉદ્યોગોને લાભ મળ્યો હોવાનું જીસીસીઆઇ અનુમાન લગાવી રહ્યું છે. આ સાથે જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સરકારને પણ ફળી છે. જાન્યુઆરીના GST કલેક્શનમાં રામ મંદિરની અસર ચોક્કસ જોવા મળશે. 


રામ મંદિરને કારણે આટલો ધંધો આવ્યો
ગુજરાતમાં 700 કરોડ રૂપિયાથી વધારેની ધજા અને ખેસનું વેચાણ થયું છે. ગુજરાત ભરમાં 50 કરોડ રૂપિયાની મીઠાઇ પ્રસાદ રૂપે વેચાણ થયું છે. આ સિવાય ડેકોરેટર્સ, સાઉન્ડ, એલઇડી અને મંડપનો અંદાજે 150 કરોડથી વધારેનો વ્યાપાર થયો છે. દિવડા અને રંગોલીના કલરનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું. અગાઉ ઘર ઘર ત્રિરંગાના કારણે સુરતની કપડા ઈન્ડસ્ટ્રીને 700 કરોડનો વેપાર થયો હતો. 


નોંધનીય છે કે, રિટેલ વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, રામ મંદિરના કાર્યક્રમને કારણે સર્જાયેલા વાતાવરણને કારણે દેશભરના વેપારીઓને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ મળ્યો છે. CAT અનુસાર, રામ મંદિરના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં વેપારીઓએ 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.


કઇ વસ્તુઓનું વેચાણ વધ્યું
રામ મંદિરની હેન્ડક્રાફ્ટ કરેલી 3D પ્રતિકૃતિ, રામ દરબાર સાથે એમ્બોસ્ડ કરાયેલા ચાંદના સિક્કા, કેલેન્ડર, ગિલ્ડેડ ફોટો ફ્રેમ્સ અને હાથથી બનાવેલા દીવાઓ ધરાવતા ગિફ્ટ સેટ જેવી વસ્તુઓ વધારે વેચાઇ છે.